રાજકોટ
News of Wednesday, 12th September 2018

રવિવારે ભેદી રીતે ગૂમ થયા બાદ માધાપર પાસેથી ઘાયલ મળેલા વિવેકાનંદનગરના ધોબી આધેડ અશોકભાઇ મોડાસીયાનું મોત

માનસિક અસ્વસ્થ અને પેરેલિસીસગ્રસ્ત અશોકભાઇ દેવપરાથી છેક માધાપર કઇ રહી પહોંચ્યા? ઇજા અકસ્માતથી થઇ કે અન્ય : કોઇ રીતે? પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા

રાજકોટ તા. ૧૨: દેવપરા વિવેકાનંદનગર-૨માં રહેતાં ધોબી અશોકભાઇ જુઠાભાઇ મોડાસીયા (ઉ.૪૮) રવિવારે સાંજે પાંચેક વાગ્યે ઘરેથી નજીકમાં સુતા હનુમાન મંદિરે દર્શન કરવા જવાનું કહીને નીકળ્યા બાદ ભેદી રીતે લાપતા થઇ ગયા હતાં. આ પ્રોૈઢ એ દિવસે જ મોડી રાત્રે દોઢેક વાગ્યે માધાપરથી ઇશ્વરીયા તરફ જતાં રસ્તા પરથી ઘાયલ અવસ્થામાં બેભાન મળતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આજે સવારે તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. માનસિક અસ્વસ્થ અને અડધા અંગમાં પેરેલિસીસ ધરાવતાં અશોકભાઇ દેવપરાથી છેક માધાપર કઇ રીતે પહોંચ્યા? કોણ લઇ ગયું? કોઇ વાહનની ઠોકરે ઇજા થઇ કે અન્ય કંઇ બન્યું? સહિતના સવાલો પરિવારજનોને મુંઝવી રહ્યા હોઇ પોલીસ ઉંડી તપાસ કરે તેવી માંગણી કરી છે.

મૃત્યુ પામનાર અશોકભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના અને અપરિણીત હતાં. તેઓ માનસિક તકલીફ ધરાવતાં હતાં તેમજ અડધા શરીરમાં પેરેલિસીસ પણ હતું. પરિવારજનોના કહેવા મુજબ અશોકભાઇ રવિવારે સાંજે ઘરેથી મંદિરે દર્શ કરવા નીકળ્યા બાદ મોડે સુધી તપાસ કરવા છતાં નહિ મળતાં ગૂમ થયાની જાણ કરાઇ હતી. દેવપરાના અમુક સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતાં. પણ તેમાં દેખાયા નહોતાં. શોધખોળ પણ ચાલુ રખાઇ હતી, ત્યાં સોમવારે એવી જાણ થઇ હતી કે એક પુરૂષ માધાપર ચોકડીથી ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં મળતાં તેને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તપાસ કરતાં તે અશોકભાઇ જ હોવાનું ખુલ્યું હતું.

જો કે તે ભાનમાં જ આવ્યા ન હોઇ તેની સાથે શું બન્યું? તે જાણી શકાયું નહોતું. ત્યાં આજે સવારે તેમણે દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ડુબી ગયા હતાં. તેમના ભાઇઓનું કહેવું છે કે અશોકભાઇ માંડ એકાદ-દોઢ કિ.મી. ચાલી શકતાં હતાં. તેઓ કોઇ દિવસ કોઇની સાથે કયાંય જતા નહિ. ઘરેથી મંદિર સુધી કયારેક જતાં અને પરત આવી જતાં હતાં. તેઓ છેક માધાપર ચોકડીએ કઇ રીતે પહોંચી ગયા? તેને કોઇ વાહન ચાલકે ઉલાળ્યા કે પછી કોઇના હુમલામાં ઇજા થઇ? આ તમામ સવાલોની પોલીસ તપાસ કરે તે જરૂરી છે.

સવારે હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે ગાંધીગ્રામમાં જાણ કરતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. માધાપર ચોકડીએ પેટ્રોલ પંપ સહિતના સીસીટીવી કેમેરા પોલીસ ચેક કરશે. (૧૪.૫)

(12:18 pm IST)