રાજકોટ
News of Wednesday, 12th September 2018

કાલે ક્ષમાના આદાન- પ્રદાન સાથે ઉજવાશે સંવત્સરી પર્વ

દેરાવાસી તથા સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોમાં કાલે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયાઃ મૂર્તિપૂજક જૈન સંઘોમાં આજે કલ્પસૂત્રના છેલ્લા બે વ્યાખ્યાન સાથે બારસાસૂત્રની ઉછામણીઃ કાલે બારસા સૂત્રનું વાચનઃ કાલે જૈનોના ઘરમાં નાની- મોટી અનેક તપશ્ચર્યાઓઃ શુક્રવારે તપસ્વીઓના પારણા સાથે સમૂહ ક્ષમાપનાના આયોજનો

૧૯૨ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસર (સોની બજાર) ખાતે પર્યુષણ પર્વ નિમિત્તે સુંદર રોશની કરવામાં આવેલ છે. ઉપરાંત પ્રભુજીને લાખેણી સોના- ચાંદી- સાચા હીરાની આંગી રચવામાં આવે છે. દરરોજ નયનરમ્ય રંગોળી પણ કરવામાં આવે છે. પર્વાધીરાજ પર્યુષણ પર્વે શ્રાવક- શ્રાવીકાઓ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ રહ્યા છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૧૧: આવતીકાલે જૈનોના પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ સંવત્સરી છે. પર્યુષણના પ્રથમ સાત દિવસ સાધનાના હોય છે અને અંતિમ દિવસ સિધ્ધનો ગણાય છે. આવતીકાલે પ્રત્યેક જૈનોના ઘરોમાં નાનું- મોટું તપ  કરવામાં આવતું હોય છે. દર્શનની શુધ્ધિ માટે શ્રી જિનેશ્વર ભગવંતની આરાધના કરવી અથવા અંગરચના કરવી અને શ્રી જિનેશ્વર ભગવંતના ગુણોમાં ઓતપ્રોત બની જવું.

પર્યુષણના આઠ દિવસ જ્ઞાનની આરાધનાના હોય છે. આઠ દિવસ દરમ્યાન જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરવામાં આવે છે.

પરંતુ આ આરાધના કરતાય એક મુશ્કેલ કાર્ય જૈનોએ કરવાનું હોય છે. મનમાંથી વૈરભાવ દૂર કરી વૈર રહિત બનવું તે કાર્ય ઘણું કઠિન છે. કાલે સંવત્સરીનું પ્રતિક્રમણ કર્યા પછી દરેક જૈનો મનથી નિર્મળ થવાનો પુરૂષાર્થ કરતાં હોય છે. પોતાના હાથે થયેલા વ્યાપાહિક દોષો પણ આ દિવસે યાદ કરીને દૂર કરવાના રહે છે.

સાંવત્સરિક પ્રતિક્રમણ કરતી વખતે જૈનો પોતાના હાથે થયેલા દોષ અંગે ક્ષમા માગે છે અને અન્ય કોઈના હાથે થયેલા દોષને ક્ષમા આપે છે.

વૈર રહિત બનવાનું હોવાથી નાના મોટા પ્રત્યેક જીવો પ્રત્યે સમભાવ કેળવાનો હોય છે અને એથી જ શાસ્ત્રકારોએ ગાયું છે કે 'સર્વ' જીવોને ક્ષમા આપો, સર્વ જીવોની ક્ષમા યાચો, સર્વ પ્રત્યે મૈત્રી ભાવ રાખો અને હૃદયમાં ગાઓ 'મિચ્છામિ દુક્કડમ્'

આજે મૂર્તિપૂજક જૈન સંઘોના ઉપાશ્રયોમાં પૂ.ગુરૂ ભગવંતો 'કલ્પસૂત્ર'ના અંતિમ બે વ્યાખ્યાન પૂર્ણ કરશે તથા આજે પૂ.ગુરૂ ભગવંતની પાવન નિશ્રામાં 'બારસા સૂત્ર'ની બોલી બોલાશે જે કોઈએ સાત દિવસ કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં આવી ન શકયા હોય તેઓ બારસા સૂત્રનું વ્યાખ્યાન સાંભળે તો તેનો લાભ મળે છે.

આવતીકાલે પૂ.ગુરૂ ભગવંતો 'બારસા સૂત્ર' પર પ્રવચન આપશે અને બપોરના ત્રણ વાગે ઉપાશ્રયોમાં 'સંવત્સરી પ્રતિક્રમણ ભણાવાશે. શુક્રવારે તપસ્વીઓના પારણા સાથે પર્યુષણ પર્વ'ની આરાધનાનું સમાપન થશે.

રાજકોટમાં જાગનાથ જૈન સંઘમાં બિરાજમાન જિન શાસન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીજી મહારાજની પાવન નિશ્રામાં આવતીકાલે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા થશે તેમજ અન્ય ઉપાશ્રયોમાં પણ સંવત્સરી પ્રતિક્રમણ ભણાવવાની વ્યવસ્થા છે.

રાજકોટમાં રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ આદિની પાવન નિશ્રામાં કાલે ડુંગર દરબાર ખાતે સાંજે ૬ વાગે સંવત્સરી પ્રતિક્રમણ ભણાવાશે. રાજકોટના સમસ્ત સ્થાનકવાસી જૈનોના ઉપાશ્રયે તથા 'જૈનમ'ના સહયોગથી યોજાનારા સામુહિક પ્રતિક્રમણમાં ૧૧ હજારથી વધારે ભાવિકો જોડાશે. 

શુક્રવારે તપસ્વીઓના પારણા સાથે સંઘોમાં સમુહ ક્ષમાપનાના આયોજનો કરવામાં આવેલ છે.(૩૦.૩)

ક્ષમાથી પરમ સુખ, શાંતિ અને સમાધિની અનુભૂતિ થાય છેઃ પ્રભુ મહાવીર

જૈન સમાજમાં કાલે સવંતસરી મહાપર્વ ઊજવાશેઃ ધર્મ સ્થાનકોમાં પ્રવચન, આલોચના અને પ્રતિક્રમણના આયોજન થશેઃ ઠેર- ઠેર મિચ્છામી દુકકડમ્ના નાદ ગુંજશેઃ ક્ષમાનું આદાન- પ્રદાન કરી સૌ હળવા ફૂલ જેવા બનશે

સવંતસરી - ક્ષમાના આ મહા પર્વના દિવસે ચોતરફ વાતાવરણ આનંદ અને ઉલ્લાસભર્યુ દ્રષ્ટિગોચર થાય છે.ક્ષમાની આપ - લે કરવાથી પરમ સુખ અને શાંતિનો અનુભવ થાય છે. માત્ર જૈન ધર્મ જ નહીં પરંતુ જગતના દરેક ધર્મો ક્ષમાને અદભૂત મહત્વ આપે છે.ચાલ્સ ગ્રીસ વોકડ નામના ચિંતકે ''ફરગીવનેસ અ ફિલોસોફીકલ એકસ્પોએશન''  એટલે કે કોઈને માફ કરી દેવામાં કેટલા લાભો છે તે પુસ્તકમાં આલેખ્યું છે.''ધ હિલીંગ હાર્ટ'' નામના પુસ્તકના લેખક નોર્મન કઝીન્સનું માનવું છે કે વેરભાવના રાખવાથી શરીરમાં હૃદય રોગના હુમલા આવે છે તેમજ અનેક રોગ આવે છે. એનાથી ઉલ્ટુ ક્ષમાનો ગુણ જે લોકોએ અપનાવ્યો તો ઘણા લોકોના બ્લડ પ્રેસર ઓછા થયેલા. એક ડોકટરે કહ્યું કે શરીરમાં મોટા ભાગના રોગો વેર વૃતિ અને ઝઘડાને કારણે થાય છે. મનની અંદરની શાંતી ક્ષમા ભાવથી મળે છે આવું ફ્રેન્ચ નવલ કથાકાર એન્ટુ મોરઈસે કહેલું. નેલસન મંડેલાની ક્ષમા અદભૂત હતી.ભૂલ થઈ જવી સરળ છે પરંતુ ક્ષમા આપવી કે માંગવી તે દિવ્ય ગુણ છે.ચીની ફિલસૂફે કહેલું તમે કોઈને માફ કરો ત્યારે તમારામાં એક નવી દિવ્ય ચેતના જાગે છે.નવી શકિત આવે છે. વેર રાખવું એ નબળો માણસ પુરવાર થવા જેવું છે,જયારે માફી આપવી તે બહાદુર માણસોનું કામ છે તેમ મહાત્મા ગાંધીજી કહેતાં.  ''ક્ષમા વીરસ્ય ભૂષણમ્ '' ક્ષમાને વીરોનું આભૂષણ કહેવાયું છે.

ક્ષમા શકિતમાનને શોભે.દૂર્બળ વ્યકિતનો માફીનો કોઈ અર્થ નથી.જયારે સમર્થ વ્યકિત કોઈ દુર્બળ વ્યકિત પાસે પોતાની ભૂલની ક્ષમા માંગે ત્યારે ધર્મ સોળે કળાએ ખીલી ઊઠે છે. અરે ! દેવો પણ દુંદુભી વગાડવા અને પુષ્પ વૃષ્ટિ કરવા થનગને છે. એટલે જ તો ગજસુકુમાર મુનિની ક્ષમાની અંતગડ સૂત્રમાં નોંધ લેવાણી. તેવી જ રીતે રાજા પરદેશીને પોતાની જ પત્નીએ ભોજનમાં ઝેર આપ્યું છતાં રાજાએ ક્ષમા ધારણ કરી અને એટલે જ તો એક આખું આગમ શ્રી રાયપસેણીય સૂત્ર રાજા પરદેશીના નામે લખાણું. ક્ષમા માંગવી એ નબળાઈ નહીં પણ તાકાત છે. ''ધ વન મિનિટ એપોલોજી '' નામના પુસ્તકમાં લેખક કેન બ્લેન્યાર્ડ લખે છે કે પોતાની ભૂલ સુધારવામાં અથવા કોઈને ક્ષમા આપવામાં માત્ર એક મિનિટનો જ સમય લાગે છે પણ બહુ ઓછા લોકો આ આદત કેળવી શકે છે.

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા જણાવે છે કે ક્ષમાનો ઉપદેશ માત્ર મહાવીરે જ આપ્યો તેવું નથી પરંતુ મહમંદ પયંગબર સાહેબે પણ કહેલું... અલ્લાહ દયાળુમાં દયાળુ છે,તારા માટે ખુદાને અપાર કરૂણા છે,તારી ભૂલોને ભૂલી જશે અને તને માફ કરશે,તું પણ દરેકને માફ કરતો જજે. ક્રિશ્યયન ધર્મ ગુરૂઓ કહે છે તમે કહેવાતા શત્રુને મનોમન ક્ષમા આપી તો જુઓ ! ઈસુ જરૂર તમોને આશીર્વાદ આપશે.સ્પેનિશ કહેવત એ છે કે શ્રેષ્ઠ વેર એ છે કે જે કદી લેવાયું ન હોય. પ્રભુ મહાવીર કહે છે ''ખંતી એ ણં પરીસહે જિણેઈ''  અર્થાત્ ક્ષમાથી પરીષહો ઉપર વિજય મેળવી શકાય છે. નમે તે સૌને ગમે...જયારે ખમે તે પ્રભુ મહાવીરને ગમે.(૩૦.૯)

સંકલનઃ મનોજ ડેલીવાળા, રાજકોટ, મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

સર્વે પર્વોમાં પર્વાધિરાજ પર્યુષણ મહાનઃ આત્માની ઓળખ અને પ્રતિતિ માટે તપ-ધર્મની આરાધના જરૂરીઃ પૂ. ધીરજમુની મ.સા.

મંત્રમાં નવકાર મંત્ર મોટો છે, દાનમાં અભયદાન મોટું છે, રત્નમાં ચિંતામણી રત્ન મોટું છે, જ્ઞાનમાં કેવલ જ્ઞાન મોટું છે, સરોવરમાં માનસરોવર મહાન છે. પર્વતમાં મેરૂ પર્વત મોટો છે, નદીમાં ગંગા મહાન છે તેમ સર્વ પર્વોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ મહાન છે.

પર્યુષણ પર્વનો પૈગામ એ છે કે સ્વાદ છોડો તો શરીરને ફાયદો (ર) વિવાદ છોડોતો સંબંધોને ફાયદો અને (૩) ચિંતા છોડોતો આત્માને ફાયદો છે.

આત્માની ઓળખ અને પ્રતિતિ માટે તપધર્મની આરાધના જરૂરી છે. માસક્ષમણ સોળભથ્થામાં ન જોડાયા હો તો છેલ્લે અઠ્ઠાઇતપમાં જોડાઇ જવા પર્યુષણનો પૈગામ છે. એ પણ શકય ન બને તો આઠ દિવસ સ્વાદને છોડવાનો પ્રયોગ કરવાનો છે. જીભ પાસેથી બે કામ લેવાના છે. ભાવે તેટલું ખાવું નહિં, આવડે તેટલું બોલવું નહિં.

આત્માની પ્રસન્નતા માટે બીજો પૈગામ છે કે વિવાદને છોડતા શીખો. વિવાદોથી શકિતનો વ્યય થાય છે. શત્રુઓ વધતા જાય છે. સંબંધો બગડે છે. માટે બોલતા પહેલા હજારવાર વિચારો જેથી સંબંધો બગડે નહિં.

આત્માની આરાધના માટે ચિંતા છોડવાનો ત્રીજો પૈગામ છે. આજનો માનવી ચિંતાતુર છે. સમજના અભાવે દુઃખી છે. અનુભવીઓ કહે છે ચિંતા નહિં ચિંતન કરતાં શીખો. જેથી આત્માને ફાયદો થાય.

''જબ તક સ્વભાવ નહિં સુધરતા તબ તક ધર્મ કા દિવ્ય આનંદ નહીં આતા''

જૈનધર્મ એ તો આત્માનો ધર્મ છે. આત્માની શાંતિ અને પવિત્રતા ઉપર જૈન ધર્મમાં ખુબ જ ભાર અપાયો છે. માટે પર્યુષણ પર્વ એ કોઇ લોૈકિક નહિ પરંતુ મહાન આધ્યાત્મિક પર્વ છે. લોૈકિક તહેવારોની ઉજવણીમાં લોકો દેહના શણગાર સજે છે. હરવા-ફરવા અને અને મોજશોખમાં દિવસો પસાર કરે છે. જયારે આધ્યાત્મિક તહેવારના દિવસોમાં દેહને નહીં પણ આત્માને સુંદર બનાવવાનો હોય છે.

તપ-જપ-ભકિત અને સમતા ભાવથી ઇન્દ્રિયો અને મનને શાંત બનાવવાની પવિત્ર બનાવવાની સાધના કરવાની હોય છે. પર્યુષણ પર્વ આવું આધ્યાત્મિક પર્વ છે. જૈન ધર્મના દરેક પર્વો પાછળ આવી આધ્યાત્મિક ચેતના છુપાયેલી છે.

''છોડો વેરની ગાંઠ, એજ છે પર્યુષણનો પાઠ તોડો રાગને દ્વેષ, એ છે પર્યુષણનો ઉપદેશ''(૧.૨૧)

મારે પ્રભુવચનોમાં પ્રમાદી બનવું નથી !

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પાવન દિવસો આવે એટલે દરેકના મનમાં એક ભાવ જાગે કે આ પર્યુષણમાં મારે શકય એટલી શ્રેષ્ઠ સાધના આરાધના કરી પર્યુષણને સાર્થક કરવા છે.

જેમને પર્યુષણને સાર્થક કરવા હોય, એમણે પર્યુષણના આઠ દિવસનું પ્લાનીંગ કરવુ જોઇએ કે આવતા પર્યુષણ સુધીનું પ્લાનીંગ કરવું જોઇએ ?

વિચાર કરો, પર્યુષણના દિવસોમાં તમે વધારે ગુસ્સો કરો છો કે પર્યુષણ સિવાયના દિવસોમાં ? પર્યુષણના આઠ દિવસ તમે શાંત રહી શકો છો. રાગ-દ્વેષ ઓછા કરો છો. શા માટે ?

પર્યુષણ છે એટલે શાંત રહી શકો છો કે પર્યુષણમાં પ્રભુના વચનો સાંભળો છો, સદગુરૂ સાથે સત્સંગ કરો છો, એટલે શાંત રહી શકો છો ?

માનો કે એક સાવ નાનકડું પ-૬ મહિનાનું બાળક અશૂચિમાં હાથ નાખે અને એના મમ્મી એને સમજાવે કે બેટા, આ અશુચિ છે એમાં હાથ ન નંખાય ! બાળક સમજશે ? એના મમ્મી રોજ રોજ કહે તો પણ બાળક ન સમજે, તો એની મમ્મીએ શું કરવુ જોઇએ ? એની મમ્મીએ રોજ-રોજ કહેવું જોઇએ કે એના મોટા થવાની, સમજણ આવે એની રાહ જોવી જોઇએ ?

૨૦ વર્ષના યુવાનને ખબર હોય કે આ અશુચિ છે. એમાં હાથ ન નંખાય અને છતાં એમાં હાથ નાંખે તો એ સમજુ કહેવાય કે અણસમજુ?

તમને પણ ખબર છે તમે સંસારની અંદર ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ આદિના જે વ્યવહારો કરી રહ્યા છો, તે અયોગ્ય છે, છતા પણ તમે કરો છો, તમારાથી થઇ જાય છે. તમે કેવા છો? સમજુ કે અણસમજુ ?

તમને રોજ રોજ બોધ વચનો આપવા જોઇએ કે તમારા મોટા થવાની રાહ જોવી જોઇએ ?

સાધક એ જ હોય જે વારંવાર પ્રભુના બોધ વચનોને ગ્રહણ કરે. કોઇ દિવસ એવો આવી જાય, કોઇ એક ક્ષણ એવી આવી જાય જયારે એની અંદર આત્મબોધ પ્રગટી જાય અને જે દિવસે આત્મબોધ પ્રગટી જાય, પછી એને બહારના બોધની વધારે જરૂર ન રહે. જેનો આત્મબોધ પ્રગટી જાય, તેને આત્મબોધની જરૂર ન પડે.

સત્સંગ કરવો એ તમારા આત્મા માટે જરૂરી છે કે નથી ?

ઘણાને સમજાય ગયું છે કે જેમ-જેમ સત્સંગ વધે છે, જેમ જેમ સદગુરૂના શ્રીમુખેથી જ્ઞાનવાણીનું શ્રવણ વધે છે, જેમ જેમ પ્રભુવચનોનો બોધ પ્રાપ્ત થતો જાય છે, તેમ તેમ મારા જીવનમાં, મારા ભાવોમાં પરિવર્તન આવવા લાગે છે. પ્રભુના બોધવચનોની અસર પર્યુષણના આઠ દિવસ હોવી જોઇએ કે ૩૬૫ દિવસ માટે હોવી જોઇએ ? પ્રભુવચનોનું શ્રવણ, સમજ અને આચરણ એક માત્ર મનુષ્યભવમાં જ પ્રાપ્ત થાય છે.

સત્સંગ મનુષ્યભવનું સૌભાગ્ય છે.

જે વારંવાર સત્સંગ કરે છે, વારંવાર પ્રભુવચનોને ગ્રહણ કરે છે, ત્યારે તેને મનુષ્યભવ સાર્થક કરવાના ઘણા બધા માર્ગદર્શન મળી જાય છે. પ્રભુવચન કયારેક ને કયારેક હૃદયસ્પર્શી બની જાય છે, ત્યારે પરિવર્તનની સંભાવના અનેકગણી વધી જાય છે. ભગવાને કહ્યું છે : જેમને કાન મળ્યા છે એ જો પ્રભુવચન શ્રવણ કરવાનું સૌભાગ્ય ગુમાવી દે છે તો ભવિષ્યમાં તેને શ્રોતેન્દ્રિય દુર્લભ બની જાય છે. જેમને આંખો મળી છે, એ જો દેવગુરૂના દર્શન કરવાનું સૌભાગ્ય ગુમાવી દે છે તો ભવિષ્યમાં તેને ચક્ષુન્દ્રિય દુર્લભ બની જાય છે.

સત્સંગનો પ્રભાવ

એક દિવસ એક ભાઇ મારી પાસે આવ્યા અને કહ્યું, ગુરૂદેવ ! મારી કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની છે. મે એને પુછયું...

ગુરૂદેવ : તમારી કીડની કયારે ખરાબ થઇ ?

ભાઇ : ગુરૂદેવ ! એક વર્ષ પહેલા એમાં પ્રોબ્લેમ થયો હતો અને હવે ટ્રાન્સ્પ્લાન્ટ કરવી જ પડશે.

ગુરૂદેવ : ઓ કે ! તમને કીડની કોણ આપે છે ?

ભાઇ : ગુરૂદેવ ! મારી વાઇફ !

હું આશ્ચર્ય ચકિત થઇ ગયો...એની વાઇફ એને કીડની આપે છે ? મે ફરીવાર પુછયુ.

ગુરૂદેવ : તમારી વાઇફ ?

ભાઇ : હા, ગુરૂદેવ !

ગુરૂદેવ : અહો આશ્ચર્યમ્ !

બધાને એમ થાય કે એક વાઇફ તો એના હસબન્ડને કીડની આપે ને, એમાં આશ્ચર્યજનક શું હોય ? પણ આ ભાઇની વાત અલગ છે. દોઢ વર્ષ પહેલા આ જ ભાઇ એની વાઇફની ફરિયાદ લઇને આવ્યા હતા.

ભાઇ : ગુરૂદેવ ! અત્યારે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે.

ગુરૂદેવ ! દોઢ વર્ષ પહેલાની વાત છે. તે દિવસે મારી વાઇફ મને સાઇનાઇડ પીવરાવીને મારી નાંખવાની હતી પણ બન્યુ એવું કે તે દિવસે ઘાટકોપરમાં જે ઘરે સત્સંગ ચાલે છે ત્યાં હું સત્સંગમાં ગયો હતો. આપનું પ્રવચન સાંભળ્યું. એમાં આપે આયુષ્યકર્મ વિશે સમજાવ્યું હતુ અને એના પ્રકાર સમજાવ્યા હતા, સોપક્રમ અને નિરૂપક્રમ ! જો આયુષ્ય નિરૂપક્રમ હોય તો મને કોઇ કાંઇ ન કરી શકે.

એ જ રાત્રે ગુરૂદેવ ! અચાનક મારી ઊંઘ ઉડી ગઇ અને એ જ સમયે મારી વાઇફના મોબાઇલમાં મેસેજ આવ્યો. મને થયું આટલી મોડી રાતે કોનો મેસેજ હશે ? લાવ, જોઉ!! મેસેજ જોતાં જ હું એક ક્ષણ સ્તબ્ધ થઇ ગયો. પછી એક પછી એક પાછળના મેસેજ વાંચતો ગયો અને મને સમજાય ગયું મારી વાઇફને એના કોલેજના મિત્ર સાથે આજે પણ કનેકશન છે. તેઓ અવારનવાર મારાથી છુપાવીને હોટલમાં અને બહારગામ પણ જાય છે અને આજના મેસેજમાં એના મિત્રએ લખ્યું હતુ, હું તને સાઇનાઇડ લાવી આપશી તું તે તારા હસબન્ડને આપી દેજે !

ગુરૂદેવ ! આ મેસેજ વાંચ્યો, એ જ સમયે મને સત્સંગમાં સાંભળેલા આયુષ્યકર્મના પોઇન્ટસ યાદ આવી ગયા. મે વિચાર્યુ, મારૂ આયુષ્ય જેટલુ હશે, એટલુ હશે. મારે આમા વધારે ચિંતા કરવાની જરૂર નથી અને ગુરૂદેવ ! હું શાંતિથી સુઇ ગયો. સવારે ઊઠીને પણ મેં એક પણ જાતના રીએકશન્સ ન આપ્યા. મારા મનમાં તો પ્રભુની વાણી ઘુમતી હતી. હું તો રોજની જેમ તૈયાર થઇ ઓફીસ ગયો.

થોડીયાર થઇ ત્યાં તો એ પણ ઓફીસ આવી. મને નવાઇ લાગી, આજે કેમ આવી હશે ? એ તો એક અલગ નજરથી મને જોવા લાગી. એની આંખમાં એક પ્રકારનો ડર હતો.

મે પુછયુ, કેમ આવી છો ?

ગુરૂદેવ ! એણે કહ્યુ, ૪ - ૫ કલાકથી હુ વિચારી રહી હતી કે તમે કેવા શ્રેષ્ઠ છો અને હું કેવી છુ ? તમે મારા મેસેજીસ વાંચ્યા, મારો પ્લાન વાંચ્યો છતાં પણ ગુસ્સો ન કર્યો, ન કાંઇ પુછયુ. ન કોઇ રીએકશન્સ આપ્યા. તમારા જેવી શ્રેષ્ઠ વ્યકિત સાથે હું કેવી ચીટીંગ કરી રહી છુ. મને મારી ભૂલ સમજાય છે મને ખૂબ જ પસ્તાવો થાય છે, એટલે અહીયા તમારી માફી માંગવા આવી છુ. તમે જે સજા આપો તે ભોગવવા પણ તૈયાર છુ.

ગુરૂદેવ ! સત્સંગમાં મે ક્ષમાપન વિશે પણ સાંભળ્યું હતુ અને મને એ યાદ હતું. એટલે ગુરૂદેવ ! મને થયું જો એને પસ્તાવો થાય છે તો એનામાં સુધારો આવી જશે, મારે એને માફ કરી એક તક આપવી જોઇએ.

ગુરૂદેવ ! મેં એને તક આપી અને એ સુધરી ગઇ, એનો  વ્યવહાર સુધરી ગયો અને આજે એ મને કીડની આપવા તૈયાર થઇ ગઇ છે ! જે વ્યકિત સત્સંગમાં જતા હોય એનામાં સમતા આવી જાય. એ એક સત્યઘટના છે. સત્સંગના પ્રભાવથી એમનું તૂટતું જીવન બચી ગયુ અને સુધરી પણ ગયુ. જે વ્યકિત પ્રભુના વચનોનું શ્રવણ કરતી હોય તેનામાં સમતા આવે કે ન આવે ?

જો સમતા આવે તો સબંધોને તૂટતા બચાવી શકાય કે ન બચાવી શકાય ? એ વ્યકિત ગમે તેવી પરિસ્થિતિમાં પણ પરિવર્તન લાવી શકે કે ન લાવી શકે ? લાવી જ શકે છે.

એક વાત યાદ રાખજો, જેમને પ્રભુ મળ્યા એ એનું સદભાગ્ય છે, જેમને પ્રભુ ન મળ્યા એ એનું દુર્ભાગ્ય છે પણ જેમને પ્રભુ નથી મળ્યા અને પ્રભુના વચનો મળ્યા છે એ એના પુણ્યોદય છે. પ્રભુના વચનો મળ્યા પછી જે પ્રભુના વચનોનો આદર ન કરે, એના પ્રત્યે અહોભાવ ન કરે, એનું સન્માન ન કરે, એનું શ્રવણ ન કરે, એ પ્રભુવચનોનું અપમાન કર્યુ કહેવાય. વ્યાખ્યાન હોલમાં સંતોનું પ્રવચન ચાલતુ હોય અને તમે અન્ય કાર્ય કરતા રહો અથવા સંઘની ઓફીસમાં એમ જ બેઠા રહો એ પ્રભુવચનોનું અપમાન કહેવાય.

પ્રભુનો ધર્મ મળ્યા પછી, પ્રભુની વાણી મળવા છતા એનું શ્રવણ ન કરીએ, એ ન સાંભળીએ તો એ પ્રભુની વાણીની અશાતના કરી કહેવાય.

સવારના ઊઠી ગયા હો અને ઓફીસે ૧૧ વાગે જવાનું હોય ત્યારે ઘરે બેસીને ન્યુઝ પેપર વાંચવા, ટીવી જોવુ પણ ૯ થી ૧૦ પ્રવચન સાંભળવા ન જવું, એ પણ પ્રભુવચનોનો અનાદર કર્યો કહેવાય.

પ્રભુ મળ્યા પછી જેમના જીવનમાં પ્રમાદ આવે છે, એને પ્રભુ કયારેય મળતા નથી. પ્રભુ વચનો સાંભળનારના ભાવો અને વિચારો શાંત અને પોઝીટીવ થઇ જાય છે પણ ઘણા લોકો ધર્મશ્રવણની બાબતમાં પ્રમાદી થઇ જતા હોય છે.

ભૂતકાળમાં આપણને અનેકવાર પરમાત્મા મળ્યા છે, પણ ત્યારે પ્રમાદ કર્યો હશે, પ્રમાદ કરીને અશાતના કરી હશે એટલે આ ભવે પરમાત્મા નથી મળ્યા, પણ થોડાં પુણ્યનો ઉદય હશે એટલે પ્રભુની વાણી અને પ્રભુની સમજ આપનાર સદગુરૂ અને સંત - સતીજી મળ્યા છે, ત્યારે પ્રમાદ કરવો ન જોઇએ.

પ્રભુના વચનો મારા સમભાવનું કારણ  બની શકે છે. જો અંતરમાં પ્રભુના વચનો અંકિત હોય તો કયારેય ઘરમાં, પરિવારમાં, બિઝનેશમાં, સબંધોમાં કે વ્યવહારમાં સમતા રાખવી ન પડે, સમતા આવી જાય. શાંત રહેવું ન પડે, રહી જવાય.

આજથી સંકલ્પ કરો, મારે પ્રભુના વચનોમાં પ્રમાદી નથી બનવુ, મારે આખા વર્ષમાં રોજ નહી તો ઓછામાં ઓછા ૧૦૦ દિવસતો સત્સંગનો લાભ લેવો જ છે. જયારે જયારે પ્રભુવચનો સાંભળવાનો, સત્સંગ કરવાનો અવસર આવે મારે એને ચૂકવો નથી !

પ્રભુ વચનોના શ્રવણથી અનાદિકાળના સંસારના સંસ્કાર ડીલીટ કરી શકાય છે અને સત્યના સંસ્કાર એના ઉપર ઓવરરાઇટ કરી શકાય છે.

જો તમે નિયમિત સત્સંગ કરો તો તમે ઘણા બધા પાપ કરતા અટકી શકો. પાપ અટકે તો ભવ સુધરે.

સત્સંગ શા માટે કરવાનો ?

મારે આવતા ભવના પ્લાનીંગ કરવા માટે, મારે આ ભવમાં સત્સંગ કરવો છે. સત્સંગ મારા આવતા ભવનું પ્લાનીંગ કરાવે છે. આ ભવમાં તો બહુ અલ્પ સમય છે. પણ આવતા ભવોભવનો તો અનંતકાળ છે. સત્સંગથી સંસ્કાર બદલાય જાય છે, જે આ ભવને તો સુધારે છે પણ ભવોભવને સુધારે છે. માટે મારે પ્રભુ વચનમાં પ્રમાદ નથી કરવો. મારે પ્રભુવચનથી મારા હૃદયને ભાવિત કરવું છે. પ્રભુવચનો માત્ર સંસારનો ત્યાગ કરવાનુ નથી શીખવતા, પ્રભુ વચનો સંસારમાં કેવી રીતે રહેવું એ પણ શીખવે છે.

પ્રભુ વચનો ભલે સમજાય કે ન સમજાય, રૂચે કે ન રૂચે પણ એનું શ્રવણ અવશ્ય કરવું જોઇએ. કયારે કોઇ વચન આખા જીવન અને ભવનું પરિવર્તન કરી દે ખબર નથી ! (૪૫.૨)

(3:56 pm IST)