રાજકોટ
News of Saturday, 13th August 2022

મેરેન્‍ગો સિમ્‍સ હોસ્‍પિટલનાં નિષ્‍ણાત તબીબો દ્વારા અંગદાન સેમીનાર

હૃદય-લિવર કિડનીના ૯૭ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ : અનેક દર્દીઓને નવજીવન મળ્‍યું : રાજકોટમાં ડો. ધિરેન શાહ, ડો. પ્રકાશ લુધાની, ડો. વિકાસ પટેલ, ડો. સિધ્‍ધાર્થ માવાણીની ઉપસ્‍થિતીમાં અંગદાન જાગૃતિ વિશે સેમીનાર યોજાશે

રાજકોટ : પત્રકાર પરિષદમાં  માહિતી આપતા ડો. ધિરેન શાહ, ડો. પ્રકાશ લુધાની, ડો. વિકાસ પટેલ, ડો. સિધ્‍ધાર્થ માવાણી અને સીમ્‍સ હોસ્‍પિટલના કેતનભાઇ નજરે પડે છે.   
રાજકોટ,તા.૧૩ : અમદાવાદની મેરેન્‍ગો સિમ્‍સ હોસ્‍પિટલ દ્વારા વિશ્વ અંગદાન દિવસ નિમિતે રાજકોટ ખાતે એક વિશેષ સેમિનારનુ આયોજન કરવામાં આવ્‍યું સેમિનારનો મુખ્‍ય હેતુ લોકોમા અંગદાન અંગેની સમજ કેળવાય, લોકો અંગદાન માટે આગળ આવે એ માટેનો હતો. આ ઉપરાંત CIMS હોસ્‍પિટલના નિષ્‍ણાત ડોક્‍ટરો દ્વારા અંગોના પ્રત્‍યારોપણ થી નવુ જીવન વિષય પર ખાસ માહિતી આપવામા આવી હતી.
સિમ્‍સ હોસ્‍પિટલના હાર્ટ અને લંગ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ પ્રોગ્રામના ડાયરેક્‍ટર ડો. ધિરેન શાહે જણાવ્‍યા મુજબ ‘‘ભારતમાં હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટની સંખ્‍યા વધી હોવાને કારણે તે દક્ષિણ એશિયામાં હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટનું અગત્‍યનું કેન્‍દ્ર બન્‍યું છે. વર્ષ ૨૦૧૪ માં ભારતમાં ૫૩ હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ થયાં હતાં જેની સંખ્‍યા ૨૦૧૮માં વધીને ૨૪૧ ની થઈ છે. વર્ષ ૨૦૨૦માં દેશમાં ૩૫૧ કેડેવર ઓર્ગન ડોનેશન થયાં હતાં. જે પૈકી ૯૦ ગુજરાતમાં થયાં હતાં. કોવિડ દરમિયાન ૮૯ હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ થયાં હતાં જેમાંથી ૧૪ સિમ્‍સ અમદાવાદે કર્યા હતાં. જે દેશમાં બીજા ક્રમની હોસ્‍પિટલ બની હતી. અંગદાતાથી દર્દી સુધી હૃદયને ગ્રીન કોરિડોર મારફતે પહોંચાડવામાં લાગતા સમયમાં પણ ઘટાડો થવાના વિક્રમો થયા છે.''
ફેફસા ટ્રાન્‍સપ્‍લાન્‍ટના નિષ્‍ણાત ડો.-પ્રકાશ લુધાનિના જણાવ્‍યા મુજબ ગુજરાતમા પલ્‍મોનરી ફાઈબ્રોસિસ અને એડવાન્‍સ બ્રોનકોસીસની બિમારી વધવાને કારણે લોકોને જીવન જીવવા માટે ફેફસા ટ્રાન્‍સપ્‍લાન્‍ટ જ એક ઇલાજ બની રહેશે એવામાCIMS હોસ્‍પિટલના ફેફસા ટ્રાન્‍સપ્‍લાન્‍ટના પ્રોગ્રામથી સમગ્ર ગુજરત અને અન્‍ય રાજ્‍યોના દર્ર્દીઓને તેનો લાભ મળશે.
લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટના નિષ્‍ણાત ડો. વિકાસ પટેલના જણાવ્‍યા મુજબ દુનિયાભરમાં ભારત દેશમાં સૌથી વધારે લિવિંગ ડોનર લીવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ થાય છે. સિરોસિસ માટે ટ્રાન્‍સપ્‍લાન્‍ટએ સફળ અને સલામત ઈલાજ તરીકે પ્રસ્‍થાપિત થયું છે. તો બીજી તરફ લોકો બ્રેઇન ડેડ થઈ મૃત્‍યુ પામતા હોય છે. આ સંજોગોમાં જો આવા વ્‍યક્‍તિના અંગોનુ દાન કરાવામાં આવે તો કોઇપણ વ્‍યક્‍તિએ પોતાના જીવતા અંગોનુ દાન કરવુ ના પડે.
કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટના નિષ્‍ણાત ડો.સિધ્‍ધાર્થ માવાણીના જણાવ્‍યા મુજબ જેમ કિડની નિષ્‍ફળતાના દર્દીઓ માટે ડાયાલિસીસ કરતા કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ એ ઉત્તમ ઇલાજ છે. અમદાવાદની મેરેન્‍ગો CIMS  હોસ્‍પિટલ સમગ્ર રાજ્‍યમા આરોગ્‍ય ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપી રહી છે. તેવામા હોસ્‍પિટલ દ્વારા આજદિન સુધી ૩૨ હૃદય, ૩૬ લિવર, ૨૯ કિડની મળી કુલ ૯૭ અંગોના ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરી મૃત્‍યુના દ્વારે ઉભેલા ઘણાબધા દર્દિઓને નવુ જીવન આપ્‍યુ છે. નોંધપાત્ર સિદ્ધિમાં, અમદાવાદની મેરેન્‍ગો CIMS હોસ્‍પિટલે તેની ૩૦ થી વધુ સફળ હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન સર્જરી કરી છે, જે ગુજરાતની અને દેશની કેટલીક એવી હોસ્‍પિટલોમાંની પ્રથમ અને એકમાત્ર હોસ્‍પિટલ બની છે  જે આ સીમાચિન્‍હ સુધી પહોંચી છે. ગુજરાતમા પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સર્જરી પણ ૨૦૧૬માં મેરેન્‍ગો CIMS હોસ્‍પિટલમાં કરવામાં આવી હતી.
 ઉલ્લેખનિય છે કે સિમ્‍સ હોસ્‍પિટલ દ્વારા સૌરાષ્‍ટ્ર પંથકમાં રાજકોટ ખાતે ગિરિરાજ હોસ્‍પિટલમા દર મહિનાના બીજા શનિવારે હૃદય, લિવર, ફેફસા અને કિડનીના રોગના નિદાન માટે ઓપીડી શરુ કરવામા આવેલ છે જેનો લાભ સમગ્ર સૌરાષ્‍ટ્રના લોકોને થનાર છે. સિમ્‍સ હોસ્‍પિટલના ડો. ધિરેન શાહ જાહેર અપીલ કરતા જણાવે છે કે આપણે સૌ સાથે મળી અંગદાન વિષયને આવકારીએ અને બ્રેઇનડેડ થયેલા પોતાના સ્‍વજનના અંગોના દાન કરાવી અંગ નિષ્‍ફળતાના દર્દીઓને નવુ જીવન આપવા આગળ આવીએ.
પત્રકાર પરિષદમાં સિમ્‍સ હોસ્‍પિટલના કેતનભાઇ આચાર્ય અને સ્‍પર્શ કોન્‍સેપટના અમિતભાઇ દોશી ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:49 pm IST)