રાજકોટ
News of Saturday, 13th August 2022

ભાજપ દ્વારા કાલે‘‘વિભાજન વિભીષીકા'' દિવસ નિમિતે તિરંગા સાથે મૌન રેલીઃ યુવા ભાજપની મશાલરેલી

રાજકોટ તા.૧૩: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દેશભરમાં હર ઘર તિરંગાના મૂર્ત સ્‍વરૂપ દ્વારા રાષ્‍ટ્રભકિતના રંગે રંગાવાનું અભુતપૂર્વ અભિયાન અંતર્ગત તા.૧૩ ઓગષ્‍ટથી તા.૧૫ ઓગષ્‍ટ સુધી દરેક ઘરે ત્રિરંગાનો કાર્યક્રમ યોજાઇ રહયો છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગત વર્ષે સ્‍વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ભારતના ભાગલાને યાદ કરીને કહેલ કે દેશના વિભાજનની વેદના દેશ કયારેય ભુલી શકશે નહી. ત્‍યારે વિભાજનમાં વિસ્‍થાપિત થયેલા અને જીવ ગુમાવનારા આપણા લાખો ભાઇ-બહેનોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં તા.૧૪ ઓગષ્‍ટ વિભાજન વિભિષિકા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા.૧૪ રવિવારે વીર શિવાજીની પ્રતિમા અકિલા ચોકથી પ્રારંભ થઇ સ્‍વામી વિવેકાનંદજીની પ્રતિમા, યાજ્ઞિક રોડ સુધી સમાપન સાથેની તિરંગા સાથેની મૌન રેલી યોજવામાં આવશે.

આઝાદી કા અમૃત મહોત્‍સવના ભાગરૂપે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે. ગૌરવપૂર્ણ રાષ્‍ટ્રની અખંડતા માટે શહિદી વ્‍હોરનારા શહિદોની સ્‍મૃતિ કરી મશાલ રેલીની જયોત દ્વારા અખંડ ભારત માટે રાષ્‍ટ્ર ચેતનાનો સંચાર કરવા આહવાન કરવામાં આવશે.

આવતીકાલે શહેર ભાજપ દ્વારા તિરંગા સાથે યોજાનાર મૌન રેલી અને શહેર યુવા ભાજપ મોરચા દ્વારા યોજાનાર આ મશાલ રેલીમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ તેમજ યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાઁગ પીપળીયાએ જાહેર અનુરોધ કરેલ છે.

વિભાજન વિભિષિકા સ્‍મૃતિ દિન કે જેમાં વીર શહિદો અને વિભાજન સમયે દેશવાસીઓની બલિદાનગાથાની યાદ તાજા થાય અને શહેરીજનો તેનાથી માહિતગાર થાય તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા.૧૪થી તા.૧૬ દરમ્‍યાન શહેરના મોહનભાઇ હોલ, ધરમ સીનેમા સામે પ્રદર્શની યોજવામાં આવશે. આવતીકાલે તા.૧૪ના સાંજે ૬ કલાકે શહેર ભાજપ અગ્રણીઓ દ્વારા મોહનભાઇ હોલ ખાતે શહેરીજનો માટે પ્રદર્શનની ખુલ્‍લી મુકવામાં આવશે. આ કાર્યક્રમના સંયોજક તરીકે જીતુ કોઠારી, સહસંયોજક તરીકે પ્રફુલભાઇ કાથરોટીયા, હરેશ જોષી, જવાબદારી સંૅભાળી રહ્યા છે. ત્‍યારે શહેરીજનોને આ પ્રદર્શનીનો લાભ લેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ જાહેર અનુરોધ કરેલ છે.

(3:40 pm IST)