વાવડી પાસે પડી ગયેલા બાઇકચાલકની મદદ ન કરતાં રામપરીને છરી ઝીંકાઇ
પુનિતનગરમા રહેતો મુળ બિહારી યુવાન પેટમાં ઘા ઝીંકાતા સારવારમાં
રાજકોટ તા. ૧૩: ગોંડલ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતો અને કારખાનામાં કામ કરતો રામપરી છોટાલાલ રાજભર (ઉ.વ.૩૧) નામના મુળ બિહારી યુવાનને રાતે સાડા નવેક વાગ્યે વાવડી ફાલ્કન કારખાનાથી થોડે આગળ સાયકલ લઇને જતો હતો ત્યારે અજાણ્યા બાઇકચાલકે છરીથી હુમલો કરી પેટમાં ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ બ્લોચે તાલુકા પોલીસને જાણ કરી હતી. રામપરીના કહેવા મુજબ હું સાયકલ હંકારીને જતો હતો ત્યારે એક શખ્સ બાઇક સહિત પડી ગયો હતો. તેણે નશો કર્યો હોય તેમ લાગતું હોઇ હું તેની મદદ કરવા ઉભો નહોતો અને સાયકલ હંકારી આગળ નીકળી ગયો હતો. એ પછી એ શખ્સ ઉભો થઇ બાઇક લઇ પાછળ આવ્યો હતો અને સાયકલ આડે બાઇક નાંખી મને છરીનો ઘા ઝીંકી ઢીકાપાટુનો માર મારી ભાગી ગયો હતો. કદાચ મેં તેની મદદ ન કરતાં તેણે હુમલો કર્યો હોય તેવી શંકા છે. તેમ વધુમાં રામપરીએ જણાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.