રાજકોટ
News of Tuesday, 13th August 2019

યાજ્ઞિક રોડ પર સેલરમાંથી પાણી કાઢતી વેળાએ વિજ કરંટથી પરપ્રાંતિય યુવાન અશોકનું મોત

ગોડાઉન રોડ પર રૂમ રાખીને રહેતાં અશોક યાદવના બે માસ પહેલા જ લગ્ન થયા'તાઃ ફૂડ સ્ટોલમાં કામ કરી ગુજરાન ચલાવતો હતોઃ મોટા ભાઇ અને સાથે કર્મચારીઓ શોકમાં ગરક

રાજકોટ તા. ૧૩: યાજ્ઞિક રોડ પર સ્વામિ વિવેકાનંદની પ્રતિમા નજીક આવેલા ચાઇનીઝ પંજાબીના સ્ટોલમાં કામ કરતાં મુળ યુપીના અને હાલ ગોડાઉન રોડ પર ગુજરાત પાન પાસે રૂમ રાખીને મોટા ભાઇ તથા બીજા લોકો સાથે રહેતાં અશોક ઓમકારભાઇ યાદવ (ઉ.૨૫)ને આજે સવારે ફૂડ સ્ટોલના સેલરમાં પાણી ભરાયું હોઇ તે બહાર કાઢવા માટે મોટર ચાલુ કરવા જતાં વિજકરંટ લાગતાં મોત નિપજ્યું છે.

અશોક સવારે શ્રી ચાઇનીઝ નામના સ્ટોલમાં હતો ત્યારે સેલરમાં વરસાદી પાણી ભરાયું હોઇ તે બહાર કાઢવાનું હોઇ પાણીની મોટરની સ્વીચ ચાલુ કરવા જતાં જોરદાર કરંટ લાગતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યાનું તબિબે જાહેર કરતાં મોટા ભાઇ તથા સાથી કર્મચારીઓમાં કલ્પાંત સર્જાયો હતો.

મૃત્યુ પામનાર અશોક બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતો. તેના હજુ બે મહિના પહેલા જ લગ્ન થયા હતાં. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના જે. યુ. ઝાલા અને અક્ષય ડાંગરે એ-ડિવીઝનમાં કરતાં હેડકોન્સ. રવિભાઇ તથા મોૈલિકભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:46 pm IST)