રાજકોટ
News of Tuesday, 13th August 2019

આંગડિયા પેઢીના નામે ફોન કરી ૬ વેપારી સાથે લાખોની ઠગાઇઃ બે ગઠીયાને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી જે તે વેપારીને ફોન કરી આંગડિયાની રકમ મંગાવી નિયત સ્થળે પહોંચાડવાને બદલે બારોબાર ચાંઉ કરી જતાં : ટંકારાના અમરાપરના ઇસ્માઇલ રતનીયા અને અનવર ખલીફાને પકડ્યાઃ સુત્રધાર મુસ્તુફા ઉર્ફ મુન્નાનું નામ ખુલ્યું : હેડકોન્સ. ભરતભાઇ વનાણી, જગમાલભાઇ અને મયુરભાઇ બાતમી : મુસ્તુફા ૨૦૧૭માં અમદાવાદમાં ૧ કરોડથી વધુની છેતરપીંડીમાં પકડાયો હતો : મોરબી સોની બજારના અમૃત જ્વેલર્સવાળા હકાભાઇ સાથે ૧કિલો ૯૦૦ ગ્રામ સોનાના દાગીના અને ૧ કિલો ૨૦૦ ગ્રામ ચાંદીના દાગીનાની ઠગાઇ કરી'તીઃ જેમાં મોરબીના મહેન્દ્ર-સોમા આંગડિયા પેઢીના નામનો ઉપયોગ કર્યો'તો!: દિકરીના લગ્ન હોવાનું ખોટુ બોલી દાગીના જોવા મંગાવ્યા બાદ ચાંઉ કરી લીધા'તા

ઝડપાયેલા બંને ગઠીયા સાથે પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ ડી. પી. ઉનડકટ તથા ટીમ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૩: શહેરના ચાર અને મોરબી-ભાવનગરના એક-એક મળી કુલ છ વેપારીઓને આંગડિયા પેઢીના નામે ફોન કરી રોકડ રકમ બીજા શહેરમાં પહોંચાડવા માટેના ઓર્ડર મેળવી બાદમાં જે તે વેપારી પાસેથી રકમ મેળવી નિયમ સ્થળે નહિ પહોંચાડી લાખોની ઠગાઇ કરવાના કારસ્તાનનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. આ રીતે ઠગાઇ કરવામાં આ ગઠીયાઓ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરતાં હતાં. ક્રાઇમ બ્રાંચે ટંકારાના અમરાપરના બે મુસ્લિમ શખ્સને દબોચ્યા છે અને છ ગુનાના ભેદ ઉકેલ્યા છે. સુત્રધારનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. આ સુત્રધારે વર્ષ ૨૦૧૭માં અમદાવાદમાં આંગડિયા પેઢીના નામે અલગ-અલગ વેપારીઓને ફોન કરી ૧ કરોડથી વધુની ઠગાઇ કરી હતી અને પકડાયો હતો. તેની શોધખોળ થઇ રહી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે હેડકોન્સ. ભરતભાઇ વનાણી, જગમાલભાઇ ખટાણા, મયુરભાઇ પટેલની બાતમી પરથી કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાછળથી ટંકારાના અમરાપરના ઇસ્માઇલ દાઉદભાઇ રતનીયા (લંધા) (ઉ.૩૯) તથા અનવર ગફારભાઇ ખલીફા (ઉ.૨૮)ને દબોચી લીધા છે. શહેરમાં  ચાર વેપારી સાથે આંગડિયા પેઢીની ઓળખ આપી લાખોની ઠગાઇ કરવામાં આવી હોઇ  તે અંતર્ગત ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી આવા ગઠીયાઓને શોધી કાઢવા સુચના આપી હોઇ તે અંતર્ગત ઇસ્માઇલ અને અનવરને સકંજામાં લઇ આકરી પુછતાછ કરતાં બંનેએ રાજકોટની ચાર અને મોરબી, ભાવનગરની મળી કુલ રૂ. ૧૭,૫૦,૦૦૦ની ૬ ઠગાઇના ગુના કબુલ્યા છે. આ બંને સાથે સુત્રધાર તરીકે થરાદના મુસ્તુફા ઉર્ફ મુન્નો હસનભાઇ ઘાંચીનું નામ ખુલ્યું છે.

ઇસ્માઇલ અને અનવરે કબુલ્યું છે કે તેણે નવેક મહિના પહેલા મોરબી રોડ જકાતનાકા પાસે આવેલ પટેલ રાખી નામની પેઢીવાળા વેપારી મનિષભાઇ પટેલને ફોન કરી આંગડિયા પેઢીના સંચાલકની ઓળખ આપી ફોનથી વહિવટ કરી રૂ. ૨ લાખનું આંગડિયુ લીધું હતું અને અમદાવાદ ન પહોંચાડી બારોબાર ચાઉ કરી ગયા હતાં. આ રીતે ઠગાઇ કરવામાં પોતે ગમે તે આંગડિયા પેઢીના નામે ફોન કરતાં અને તે માટે ડમી સિમ કાર્ડ વાપરતાં હતાં. જે તે પેઢી પાસેથી પૈસા મળી ગયા બાદ કાર્ડ બંધ કરી દેતાં હતાં.

આ રીતે અન્ય પાંચ ઠગાઇ કરી હતી. જેમાં આઠેક મહિના પહેલા રિયો ગ્લાસવાળા રાજેશભાઇ સાથે ૩ લાખની, આઠ મહિના પહેલા મોરબીની સોની બજારના અમૃત જ્વેલર્સવાળા હકાભાઇ સાથે ૧ કિલો ૯૦૦ ગ્રામ સોનાના દાગીના અને ૧ કિલો ૨૦૦ ગ્રામ ચાંદીના દાગીનાનું આંગડિયુ મેળવી ઠગાઇ કરી હતી. આ ઠગાઇ કરવા મોરબીના મહેન્દ્ર-સોમા આંગડિયાવાળા અશ્વિનભાઇના નામથી ફોન કરી પોતાની દિકરીના લગ્ન છે અને દાગીના જોવા છે, તેવો ફોન કરીને ઠગાઇ કરી હતી!

આ ઉપરાંત આઠેક મહિના પહેલા રાજકોટ જુના બસ સ્ટેશન સામે સુરભી કોમ્પલેક્ષમાં બેસતા વિવેકભાઇ ચોૈહાણ સાથે ૧ લાખની ઠગાઇ તથા પચ્ચીસેક દિવસ પહેલા ગોંડલ રોડ પર આવેલા હાઇકોપ મેન્યુફેકચરીંગ વાળા અમિતભાઇ પટેલના રૂ. ૫,૫૦,૦૦૦ અમદાવાદ મોકલવાના હોઇ રાજકોટ રહેતાં તેના કાકા ધનજીભાઇ પટેલ પાસેથી આ રકમ મેળવી ઠગાઇ કરી હતી. આ મામલે આજીડેમ પોલીસમાં ગયા રવિવારે ગુનો નોંધાયો હતો.

આ ઉપરાંત પંદર દિવસ પહેલા ભાવનગરના લોખંડ બજારના ઘનશ્યામ ટ્રેડર્સ વાળા વેપારી પાસેથી રૂ. ૬ લાખનું આંગડિયુ મેળવી ઠગાઇ કર્યાની કબુલાત બંનેએ આપી હતી.

સુત્રધાર મુસ્તુફા ઉર્ફ મુન્નો ઘાંચી અને ઝડપાયેલા બંને સાગ્રીતો જુદા-જુદા શહેરના વેપારીઓના ફોન નંબર મેળવી તેને સમયાંતરે જે તે શહેરની જાણીતી આંગડિયા પેઢીના સંચાલકના નામે ફોન કરતાં અને આંગડિયું મોકલવાનું હોય તો માણસને મોકલી આંગડિયુ લઇ જાય...તેવી વાત કરી જે તે પેઢી પાસેથી રોકડ લઇ આવતાં હતાં. એ પછી ફોન બંધ કરી દેતાં હતાં. વેપારીઓનું આંગડિયુ તેણે મોકલેલા સ્થળે ન પહોંચતા ત્યાંથી ફોન આવ્યા બાદ ઠગાઇ થઇ ગયાની ખબર પડતી હતી. જે તે આંગડિયા પેઢીમાં તપાસ કરતાં જે નામે વાત થઇ હોઇ એવો કર્મચારી કે મેનેજર ત્યાં હાજર મળતાં નહોતાં. આ ગઠીયા ડમી સિમ કાર્ડ વાપરતાં હોઇ જેથી છેતરાયેલા વેપારીઓ તેને શોધી શકતાં નહોતાં.

સુત્રધાર મુસ્તુફા જે રકમ મળતી તેમાંથી ૨૦ થી ૨૫ ટકા રકમ ઇસ્માઇલ અને અનવરને આપતો હતો. મુસ્તુફાએ અગાઉ ૨૦૧૭માં અમદાવાદમાં આ રીતે એકાદ કરોડની ઠગાઇ કરી હતી અને ઝડપાયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ ડી. પી. ઉનડકટ, હેડકોન્સ. જગમાલભાઇ, ભરતભાઇ, સંતોષભાઇ મોરી, મયુરભાઇ, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(3:40 pm IST)