રાજકોટ
News of Tuesday, 13th August 2019

એરપોર્ટ રોડ પરના એ મંદિરના અવાજ પ્રદુષણથી લોકોને પારાવાર પરેશાની

તંત્રીશ્રી,

એરપોર્ટ રોડ પર બગીચા પાસે આવેલ ખાનગી માલીકીના એક મંદિરમાં શ્રાવણ માસમાં પુજારી દ્વારા મોટા અવાજે માઇક દ્વારા અવાજનું પ્રદુષણ ફેલાવાતુ હોય આસપાસની વસુંધરા સોસાયટી, અમરજીતનગર, દિવ્યસિધ્ધી, સંકલ્પસિધ્ધી, સ્વપ્નસિધ્ધી સોસાયટીના રહેવાસીઓને અસહ્ય ત્રાસ થાય છે. વહેલી સવારે બે કલાક સુધી મોટા અવાજે કેસેટો વગાડવામાં આવે છે. બાદમા સાંજે ફરી ચાર વાગ્યે મોટા અવાજે માઇક વગાડવામાં આવે છે. આજુ બાજુમાં રહેતા લોકો ટી.વી. પ્રોગ્રામ જોવામાં ભારે ખલેલ ભોગવે છે. એક તો મંદિર પણ રપ વારીયા પ્લોટમાં ગેરકાયદેસર બનાવ્યુ છે અને ઉપરથી અવાજનો ઘોંઘાટ સર્જવામાં આવે છે. અહીં વીજળીનું બીલ ભર્યા વગર લાઇટ વપરાસ થતો હોવાનું પણ ચર્ચાય છે. મંદીરની બહાર પણ ૧૫ ફુટ જેટલુ ગેરકાયદે છાપરૂ કરીને દબાણ સર્જવામાં આવ્યુ છે.  મંદીર ઉપરનો બીજો માળ પણ વગર મંજુરીએ ચણી લેવાયો છે. પૂજા-ભકિત સામે કોઇને વાંધો ન હોય પરંતુ કોઇને ત્રાસ દેવાના હેતુથી જ જો અવાજનો ઘોંઘાટ કરાતો હોય તો આ બાબતે તંત્રએ ગંભીરતાથી વિચારવું જોઇએ. મંદિરનું કાર્ય લોકોમાં શાંતિ પ્રસરાવવાનું હોવું જોઇએ. નહીં કે ઘોંઘાટ ફેલાવવાનું!

- અવાજ પ્રદુષણથી ત્રસ્ત એરપોર્ટ રોડની

 સોસાયટીના  રહેવાસીઓ

(3:37 pm IST)