રાજકોટ
News of Tuesday, 13th August 2019

દેરાણી - જેઠાણીની ગુફતેગુ રેકોર્ડ કરનાર ભેજાબાજ કોણ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પેથાણી અને કુલનાયક દેસાણીના ઝઘડા થયા જગજાહેર : શંકામાં રહેલા વ્યકિતઓ સાથે મોબાઈલ ટોક બંધ અને મીટીંગમાં મોબાઈલ પ્રતિબંધિત થશે

રાજકોટ, તા. ૧૩ : કહેવત છે ને કે જે ઘરમાં દેરાણી - જેઠાણીનો સંપ હોય તો ઘરમાં સ્વર્ગની અનુભૂતિ થાય અને જો દેરાણી - જેઠાણી સામ-સામા ભુરકીયા કરે અને ઝઘડા કરતા રહે તો ઘર રણસંગ્રામ બને. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ દેરાણી - જેઠાણીના ઝઘડા હવે તો રોજીંદા બની ગયા છે. દેરાણી - જેઠાણીના ઝઘડાથી તો વહીવટી, શૈક્ષણિક કાર્ય ઉપર સીધી અસર પડી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચર્ચાતી વિગતો મુજબ કુલપતિ ડો.નીતિન પેથાણી અને કુલનાયક ડો.વિજય દેસાણીનું ઉપનામ દેરાણી - જેઠાણી પડી ગયુ છે. બંનેના વ્યવહારો પણ એક પીઢ શિક્ષણકારને બદલે દેરાણી - જેઠાણી જેવા છે. હવે તો વિદ્યાર્થીઓ અને અધ્યાપકો તેમજ અધિકારી અને કર્મચારી પણ કહે છે કે દેરાણીની સહી થઈ કે જેઠાણીની થઈ. આ વાત મુદ્દે અનેકવાર હાસ્યોની છોડો ઉડી હતી.

દરેક મીટીંગમાં કુલપતિ ડો.નીતિન પેથાણી અને કુલનાયક વિજય દેસાણી કોઈ ને કોઈ વાતે એકબીજાના વિરોધ જ કરતા હોય છે. સામાન્ય બાબતમાં પણ 'વાંક' કાઢી અને મુદ્દાને ટલ્લે ચડાવવામાં આવે છે.

કુલપતિ ડો. નીતિન પેથાણીની ગેરહાજરીમાં કુલનાયક વિજય દેસાણી મહત્વના નિર્ણયો અને દરખાસ્તોમાં ધડાધડ સહી કરતા હોય છે તો આ જ રીતે અનેક મહત્વના નિર્ણયો અને નીતિ વિષયક બાબતો અંગે કુલનાયકને વિશ્વાસમાં લીધા વગર આપમેળે લેતા હોય છે.

દેરાણી - જેઠાણીની જેમ ઝઘડતા કુલપતિ અને કુલનાયકનો અંગત સ્ટાફ પણ કેટલી વાર મુશ્કેલીમાં મુકાય જાય છે.

કુલપતિ પેથાણી અને કુલનાયક દેસાણીને સમજાવવાના પ્રયત્નો અનેકવાર કરવા છતાં બંનેના વલણમાં કોઈ ફેર પડ્યો ન હતો.

તાજેતરમાં ફાઈનાન્સ કમીટીની બેઠકમાં કુલપતિ ડો. નીતિન પેથાણી અને કુલનાયક ડો.વિજય દેસાણી વચ્ચે થયેલી ગુફતેગુ કોઈ ભેજાબાજે રેકોર્ડ કરી લીધી છે અને તેને પ્રચાર માધ્યમમાં જાહેર કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રીતસર ખળભળાટ મચી ગયો છે. અંગત વાતોને જાહેરમાં મૂકનાર આ કિમીયાબાજ કારીગર કોણ? તેની અટકળો મૂકીને અનેકવિધ ચર્ચાઓ હાલ ચકડોળે ચડી છે.

ફાયનાન્સ કમીટીની બેઠકમાં કુલપતિ નીતિન પેથાણી કુલનાયક વિજય દેસાણી, સીન્ડીકેટ સભ્યો ડો.ભાવીન કોઠારી, ડો. ભરત રામાનુજ, ડો.વિજય ભટ્ટાસણા અને રજીસ્ટ્રાર રમેશ પરમાર અને બે કર્મચારીઓ ઉપસ્થિત હતા.

કોઈ મહત્વના મુદ્દે કુલપતિ અને કુલનાયક વચ્ચે હુસાતુસી થઈ હતી અને જેનું કોઈએ ઓડીયો રેકોર્ડીંગ કરી લીધુ હતું. બંને વચ્ચે થયેલી માથાકૂટ પણ વાયરલ કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ તો મીટીંગમાં રહેલામાંથી જ કોઈએ રેકોર્ડીંગ કર્યુ હોવાની ચર્ચા ચાલે છે.

સામાન્ય રીતે વિશ્વાસથી એકબીજા લોકો કામ કરતા હોય છે તેવામાં રેકોર્ડીંગ કરવું અને બહાર પાડવુ આ ઘટનાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો, અધિકારીઓ અને પદાધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. હવે કોઈપણ મીટીંગમાં કે ખાનગી ચર્ચામાં મોબાઈલ પ્રતિબંધિત કરવાની વિચારણા ચાલી રહી છે.

કેટલાક પ્રતિષ્ઠિત લોકોએ તો મોબાઈલમાં વાત કરવાનું જ ટાળી રહ્યા છે. કામ હોય તો રૂબરૂ આવો. રૂબરૂ ચા સાથે ચર્ચા પણ કરીશુ. આવો મીઠો જવાબ આપીને મોબાઈલ ઉપર મોટાભાગના લોકો હવે 'ખો' આપી રહ્યા છે.

કરો દેરાણી - જેઠાણીના વખાણ અને પતાવો કામ

ઝઘડાથી કોઈનું ભલુ થયુ છે!!

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત કુલપતિ કુલનાયક (દેરાણી-જેઠાણી)ના ઝઘડાએ તો હવે યુનિવર્સિટીની સીમા વટાવી સમગ્ર સૌરાષ્ટ્રમાં પહોંચ્યા છે. કુલપતિ અને કુલનાયકની વિચારસરણી એકબીજાથી ખૂબ વિપરીત છે. પૂર્વ પશ્ચિમ જેવું વલણ ધરાવતા આ દેરાણી - જેઠાણી પાસે કોઈ પ્રશંસા કરે અને ફટાફટ કામની પતાવટ કરે છે. જે કામ ૧૫ દિવસે કે મહિને થતુ હતું તે કામ દેરાણી પાસે જેઠાણીનું અને જેઠાણી પાસે દેરાણીનું ઘસાતુ બોલીને ધાર્યા નિશાન પાર પાડવામાં આવી રહ્યાનું ચર્ચાય છે.

(3:28 pm IST)