રાજકોટ
News of Tuesday, 13th August 2019

શિક્ષક દિને પૂ. જયશ્રીદીદી ભાવી શિક્ષકોને આશિર્વચન પાઠવશે

શિક્ષણ વિદ્યાશાખા દ્વારા ૫ સપ્ટેમ્બરે હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૩ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખા ભાવિ શિક્ષકોને તાલીમ આપતી વિવિધ કોલેજોને સાથે રાખીને ભાવિ શિક્ષકોને ઉપયોગી એવા કાર્યક્રમો કરતી હોય છે. આ શ્રેણીને આગળ વધારતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખાના ડીન તરીકે ડો. નિદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખા દ્વારા તા. પ મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવનાર છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને સમગ્ર દેશ શિક્ષક દિન તરીકે ઉજવે છે. આ વિશ્વનું સર્વોચ્ચ જ્ઞાનનો જો કોઇ ગ્રંથ હોય તો તે શ્રીમદ ભાગવત ગીતા છે અને જેમના સ્વમુખેથી આ ભાગવત ગીતા બોલાઇ છે તેવા સમગ્ર માનવ જાતના શિક્ષક એટલે ભગવાન-શ્રીકૃષ્ણ યોગેશ્વર. આજ ભાગવત ગીતમાંથી શિક્ષણના મૂલ્યો અને શિક્ષકના કર્તવ્યો વિષય પર શિક્ષક દિન નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન વિવિધ બી.એડ્.  કોલેજના તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું.

સ્વાધ્યાય પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતાના વિવિધ કાર્યક્રમો થતા હોય છે ત્યારે સ્વાધ્યાય પરિવારના મોભી પૂ. જયશ્રી દીદી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખા દ્વારા આયોજિત શિક્ષક દિન નિમિત્તે આશિર્વચન આપવામાં આવશે.

કાર્યક્રમની માહિતી આપતા ડો. નિદત બારોટે જણાવ્યું હતું કે સ્વાધ્યાય પરિવારના મોભી લાખો યુવાનો અને ગીતા જ્ઞાનથી જીવનમાં પરિવર્તન લાવનાર છેવાડાના માનવી સુધી વૃક્ષ મંદિર જેવા કાર્યક્રમો આપી અન્યનું ભલું અને સમગ્ર માનવ સમુદાયના ભલાની જેમને સમગ્ર જીવન ચિંતા કરી છે તથા પૂજય જયશ્રી દીદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે અને આગામી પ સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિનની ઉજવણીના પ્રસંગમાં ઉપસ્થિત રહેવા ખાત્રી આપી છે. આગામી શિક્ષકદિન ગુરૂવારના રોજ ઉજવાય રહયો છે. ત્યારે લાખો યુવાનોના ગુરૂ અને માર્ગદર્શક પૂજય જયશ્રી દીદી સૌરાષ્ટ્ર-યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યા શાખા સંલગ્ન અનેક બીએડ. કોલેજોના તાલીમાર્થીઓને આશિર્વાદ આપનાર છે. આ કાર્યક્રમ થકી ભાવી શિક્ષકો ગીતા જ્ઞાન મેળવી તેમના વર્ગખંડોમાં ગીતાજીનો સંદેશ પહોંચાડી શકશે. આમ પૂજય જયશ્રી દીદીએ આપેલા આશિર્વચન ભાવિ શિક્ષકોના અને વર્તમાન શિક્ષકોના માધ્યમથી લાખો વિદ્યાર્થીઓ સુધી વર્ષો શિક્ષક દિનની ઉજવણી નિમિતે પહોંચતા રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત આ કાર્યક્રમ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાઇ રહયો છે. આ કાર્યક્રમમાં વિવિધ બી.એઙ કોલેજના તાલીમાર્થી, ભાવિ શિક્ષકો, અધ્યાપકો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ સતા મંડળના સીન્ડીકેટ સભ્યશ્રીઓ, ડીનશ્રીઓ, એકેડેમિક કાઉન્સીલના સભ્યશ્રીઓ, યુનિવર્સિટી વિવિધ ભવનના પ્રાધ્યાપકશ્રીઓ ઉપરાંત રાજકોટની વિવિધ શાળા-કોલેજોના અધ્યાપક શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓએ ઉપસ્થિત રહેનાર છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષણ વિદ્યાશાખા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(9:34 am IST)