રાજકોટ
News of Monday, 13th August 2018

મેઘરાજા ફરી પધરામણી કરે તેવા ઉજળા સંજોગો

બંગાળની ખાડીની સિસ્ટમ્સ મજબૂત બની વેલમાર્ક લોપ્રેસરમાં પરિવર્તિત થશે : ચોમાસુધરી પણ ફરી નોર્મલ તરફ આવી જશે : ૧૬મીથી સારા વરસાદના સંજોગો : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૩ : રીસાઈ ગયેલા મેઘરાજા સૌરાષ્ટ્ર-ગુજરાતની ધરતીને ફરી ભીંજવવા આવે તેવા ઉજળા સંજોગો બની રહ્યા છે. બંગાળની ખાડીની સિસ્ટમ્સ મજબૂત બની વેલમાર્ક લોપ્રેશરમાં પરિવર્તિત થઈ રહી છે. તો ચોમાસુધરી પણ આવતા ત્રણેક દિવસમાં ફરી નોર્મલ તરફ આવી જશે. જેથી હાલના અનુમાન મુજબ તા.૧૬ થી ૧૯ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં વરસાદના ઉજળા સંજોગો થયા હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે પશ્ચિમ બંગાળની ખાડીમાં જે અપરએર સાયકલોનીક સરકયુલેશન હતું જે લોપ્રેશરમાં પરિવર્તિત થયુ છે. જે આજે પશ્ચિમ બંગાળના દરિયાકિનારા નજીક છે. તેને અનુસંગિક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૫.૮ કિ.મી.ની ઉંચાઈ સુધી છે. હજુ આ સિસ્ટમ મજબૂત બનશે એટલે વેલમાર્ક લોપ્રેશરમાં પરિવર્તિત થશે.

ચોમાસુધરી હાલમાં પંજાબના અમૃતસરથી દિલ્હી, જમશેદપુર અને લોપ્રેસરનું સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. હાલમાં ચોમાસુધરીનો પશ્ચિમ છેડો પંજાબ છે. જે ફરી ત્રણેક દિવસમાં નોર્મલ તરફ આવી જશે. આ સિસ્ટમ ઝારખંડ બાદ મધ્યપ્રદેશ તરફ સરકશે અને આવતા દિવસોમાં આ સિસ્ટમના લોપ્રેસરની અસરથી તા.૧૬ થી ૧૯ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં સારા વરસાદના રાઉન્ડની શકયતા છે. આ રાઉન્ડ સિસ્ટમ આધારીત હોય ૧૫મીના અલગ અલગ વિસ્તારની માત્રા જણાવાશે.(૩૭.૧૫)

(4:16 pm IST)