રાજકોટ
News of Monday, 13th July 2020

નવાગામમાં ખરાબાની જમીન ૧૦ હજારમાં લઇ ઝુપડુ બનાવનાર રાકેશ ઉર્ફ બાલા પર હુમલો

વેંચનારા વિક્રમ અને કિશન પરમારે લાફા મારી છરીથી ઇજા કરીઃ રાકેશે ૪ાા હજાર ચુકવ્યા'તાઃ બાકી નીકળતા પૈસાની ઉઘરાણી કારણભુત

રાજકોટ તા. ૧૩: નવાગામમાં રહેતાં વાંજા શખ્સે બે શખ્સો પાસેથી તળાવ કાંઠે સરકારી ખરાબાની જમીન દસ હજારમાં ખરીદી સાડા ચાર હજાર ચુકવી ઝુપડુ બનાવતાં અને બાકીની રકમ કાગળો અપાય પછી આપશે તેવું નક્કી થયું હોવા છતાં જમીન વેંચનારા બે ભાઇઓએ પૈસાની ઉઘરાણી કરી લાફા મારી છરીથી હુમલો કરી ઇજા કરતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે નવાગામ મફતીયાપરા રામાપીરના મંદિર પાસે રહેતાં અને મજૂરી કરતાં રાકેશ ઉર્ફ બાલો કરસનભાઇ નકુમ (વાંજા) (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી તેના પડોશમાં જ રહેતાં વિક્રમ પરમાર અને કિશન પરમાર સામે ગુનો નોંધ્યો છે.

રાકેશના કહેવા મુજબ મેં બે મહિના પહેલા નવાગામ રંગીલાપરા તળાવની પાસે વિક્રમ પરમાર પાસેથી દસ હજારમાં સરકારી ખરાબાની જગ્યા લઇ ત્યાં ઝુપડુ બનાવ્યું હતું. આ જગ્યા માટે મેં દસ હજારમાંથી સાડા ચાર હજાર આપ્યા હતાં. રવિવારે વરસાદને લીધે ઝુપડામાં કોઇ નુકસાન થયું છે કે કેમ? તે જોવા માટે હું ગયો ત્યારે વિક્રમ અને તેના ભાઇ કિશને આવી બાકી નીકળતાં પૈસાની માંગણી કરતાં મેં તેને હમણા પૈસા નથી, જગ્યાના કાગળો આપ પછી બાકીના પૈસા આપીશ તેમ કહેતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ ગાળો દીધી હતી. કિશને લાફા મારી દીધા હતાં અને વિક્રમે છરી કાઢી મને છાતીના ભાગે ઇજા કરી હતી.

આ વખતે મારો મિત્ર હસમુખ તથા તેના મમ્મી આવી જતાં મને બચાવ્યો હતો. એ પછી મને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(1:04 pm IST)