રાજકોટ
News of Friday, 13th July 2018

સહકારનગરના આહિર કારખાનેદારનો આર્થિક ભીંસને લીધે મહિકા પાસે કાકાના ફાર્મહાઉસમાં જઇ આપઘાત

કિશોર રાઠોડ (ઉ.૩૭)એ માસીયાઇ ભાઇ પ્રકાશને પાણીની બોટલ લેવા મોકલ્યા બાદ ગળાફાંસો ખાઇ લીધોઃ બે સંતાન પિતા વિહોણા થયાઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૩: સહકાર સોસાયટીમાં રહેતાં કારખાનેદાર આહિર યુવાને મહિકાના પાટીયા પાસે આવેલા પોતાના કાકાના ફાર્મહાઉસમાં જઇ ગળાફાંસો ખાઇ લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. કારખાનામાં હાલમાં કામ બરાબર ચાલતું ન હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ સહકાર સોસાયટી-૮માં રહેતાં કિશોરભાઇ નારણભાઇ રાઠોડ (ઉ.૩૭) નામના આહિર યુવાને મહિકાના પાટીયા પાસે આવેલા તેના કાકા લાભુભાઇ રાઠોડના ગેલેકસી ફાર્મ હાઉસમાં બીજા માળે છતના હુકમાં કેબલ બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. જીતુભાઇ ભમ્મર અને રાઇટર દિગ્વીજયસિંહ રાણાએ ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર કિશોરભાઇ પરિવારના એકના એક પુત્ર હતાં અને અટીકામાં સ્વામિનારાયણ એન્જિનિયરીંગ નામે નટ બોલ્ટનું કારખાનુ ધરાવતાં હતાં. તેને સંતાનમાં બે પુત્રો છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. હાલમાં કારખાનામાં મંદી હોઇ આર્થિક સંકડામણને લીધે આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

(3:58 pm IST)