રાજકોટ
News of Friday, 13th July 2018

પશુધનના નિકાસના વિરોધમાં રવિવારે દિલ્હીમાં દેખાવો

ઇન્ડીયા ગેટ પર દેશભરના જીવદયાપ્રેમીઓ ઉમટી પડશે : રાજકોટમાં પણ પ્રતિક કાર્યક્રમ : શારજાહની નિકાસ અટકાવાઇ પણ નાસીકથી થતી નિકાસ હજુ ચાલુ જ છે : વિદેશી હુંડીયામણ રળવાની લ્હાયમાં પશુઓની નિકાસ સદંતર બંધ કરવાની પ્રબળ માંગ

રાજકોટ તા. ૧૩ : ભગવાન રામ, કૃષ્ણ, મહાવીર સ્વામીના દેશ ભારતમાંથી પશુધનને હુંડીયામણની લાલચમાં વિદેશ નિકાસ કરવાની પ્રથા સદંતર બંધ કરવાની માંગ સાથે જીવદયાપ્રેમીઓ દ્વારા દિલ્હી ગજાવવા જોરદાર તૈયારી કરાઇ હોવાનું રાજકોટના કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના આગેવાનોની એક સંયુકત યાદીમાં જણાવાયુ છે.

 યાદીમાં જણાવાયુ છે કે ભારતની પ્રજા આર્ય છે. જીવદયા અને પશુપાલન તેમના લોહીમાં વણાયેલા છે. છતા કુનિતીના કારણે આ દેશના અમુક રાજયોમાંથી વિદેશી પ્રજાના ખોરાક માટે દેશનું બહુમુલુ, જીવતુ પશુધન સતત નિકાસ થતુ રહે છે તે ખુબ દુઃખજનક છે.

વિદેશી હુંડીયામણ રળવાની લ્હાયામાં લાખોની સંખ્યામાં ઘેટા બકરાની શારજાહ નિકાસ થવાની હતી. પરંતુ દેશની પ્રજાએ અરેરાટી સાથે પ્રચંડ વિરોધ નોંધાવતા આ નિકાસ મુલત્વી રાખવી પડી હતી. જો કે નાસીકમાં હજુએ આ પ્રકારની જીવતા પશુઓની નિકાસ અને તેમની હત્યાની પ્રવૃત્તિ ચાલુ જ હોય દેશભરમાં આ રીતે ચાલતી પશુધનની નિકાસ અને કતલની પ્રવૃતિ પર લગામ આવે તેવા હેતુથી જીવદયાપ્રેમીઓ દ્વારા આગામી તા. ૧૫ ના રવિવારે નવી દિલ્હીમાં દેખાવો કાર્યક્રમ ઘડી કઢાયો છે. ઇન્ડીયા ગેઇટ પાસે બપોરે ૧૨ થી ૨ દરમિયાન જીવદયાપ્રેમીઓ ઉમટી પડી પોતાની લાગણીને આક્રોશ સાથે વાચા આપશે.

આંદોલનની વિશેષ જાણકારી માટે વિશ્વ જૈન સંગઠનના અધ્યક્ષ સંજય જૈન (મો.૯૩૧૨૨ ૭૮૩૧૩, મો.૮૮૦૦૦ ૦૧૫૩૨) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

રાજકોટમાં પણ પ્રતિકાત્મક કાર્યક્રમ અપાશે. જેમાં વિશાળ સંખ્યામાં જીવદયાપ્રેમીઓએ જોડાવા મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), સંજયભાઇ મહેતા, ચંદ્રકાંત શેઠ, ઇશ્વરભાઇ દોશી, મુકેશભાઇ બાટવીયા, ડોલરભાઇ કોઠારી, રાજેન્દ્રભાઇ શાહ, પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩), રાજુભાઇ શાહ, મિલનભાઇ કોઠારી, મયુરભાઇ શાહ, કપીલભાઇ શાહ, રચીતભાઇ શાહ, અમીતભાઇ દેસાઇ, ચંદ્રેશભાઇ પટેલ, પ્રકાશભાઇ મોદી, નિશાબેન, હેમાબેન પારસભાઇ મોદી, હિનાબેન સંઘવી, શોભનાબેન, છાયાબેન, નીધીબેન શાહ, દર્શનાબેન, કેતન સંઘવી, જયેશભાઇ, કમલશભાઇ, ભુપેન્દ્રભાઇ, કલ્પેશભાઇ, સેતુરભાઇ દેસાઇ, કુલદીપભાઇ, યશ શાહ, આશીષભાઇ, યોગેશભાઇ શાહ, હરેશભાઇ શાહ, કાર્તીક દોશી, પ્રકાશભાઇ શાહ, અવધેશ સેજપાલ, રમેશભાઇ ઠકકર, ધીરૂભાઇ કાનાબાર વગેરેએ અનુરોધ કર્યો છે.

(3:41 pm IST)