રાજકોટ
News of Friday, 13th July 2018

રાજકોટમાં જગન્નાથજીની રથયાત્રામાં ૮૮૭ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ જાળવશે ચાંપતો બંદોબસ્ત

૨૨ કિલોમીટરના રૂટ પર ફરશે રથયાત્રાઃ સવારના ૬:૩૦થી રાતના ૯:૦૦ સુધી જડબેસલાક સુરક્ષા :બે ડીસીપી, ત્રણ એસીપી, ૧૪ પીઆઇ, ૬૧ પીએસઆઇ, ૪૬૯ એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, ૫૮ મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ એસઆરપીની ૧૮ કંપની, ૧૬૭ હોમગાર્ડ તેમજ ૯૫ ટ્રાફિક વોર્ડનનો સમાવેશ

રાજકોટ તા. ૧૩: આવતી કાલે અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક શહેરો અને ગામોમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાઓ નીકળશે. સોૈથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળશે. જેના માટે લગભગ ૧૪ હજારની વધુ પોલીસ અધિકારીઓ, જવાનોનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાશે. બીજી તરફ રાજકોટમાં પણ ભગવાનશ્રી જગન્નાથજી, શ્રીબલભદ્રજી અને શ્રી સુભદ્રાજીની રથયાત્રા નીકળનાર હોઇ તે માટે શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. ૨૨ કિલોમીટરના રૂટ પર રથયાત્રા ફરશે. જેમાં બે ડીસીપી સહિત ૮૮૭ અધિકારી, કર્મચારીઓનો કાફલો બંદોબસ્ત જાળવશે.

સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ડી.એસ. ભટ્ટે જણાવ્યા મુજબ આવતીકાલે સવારે ૮ કલાકે ત્યાગીશ્રી મનમોહનદાસ ગુરૂ રામકિશોરદાસજી કૈલાસધામ ખોડિયાર મંદિર નાના મવા ખાતેથી રથયાત્રા શરૂ થશે. જે રાત્રે ૯ કલાકે પરત નાના મવા ખોડિયાર મંદિર ખાતે આવી વિસર્જન થશે. આ રથયાત્રા શહેરમાં ૨૨ કિલોમીટરના રૂટ પર ફરશે. જેમાં ખોડિયાર મંદિર નાના મવાથી શરૂ થઇ મોકાજી ચોક, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, કાલાવડ રોડ, નિલ દા ધાબા, પુષ્કરધામ મેઇન રોડ, જે. કે. ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, એચપી ઓટો સેન્ટર સામેથી સાધુ વાસવાણી રોડથી આલાપ ગ્રીન સીટી થઇ ટી પોઇન્ટ, ત્યાંથી રૈયા રોડ, રૈયા સર્કલથી કનૈયા ચોક, મઢી ચોક, કિસાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરિહર ચોકથી લીમડા ચોક થઇ એસબીએસ ટી પોઇન્ટથી ત્રિકોણ બાગ પહોંચશે.

ત્રિકોણ બાગથી ભૂપેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રાજેશ્રી સિનેમા રોડ, ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર થઇ આશાપુર મંદિર, ગુંદાવાડી પોલીસ ચોકીથી કેનાલ રોડ, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ સિનેમા રોડ, દેવપરા, સહકારનગર, ઢેબર કોલોની ફાટક, પીડીએમ કોલેજ, સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઇન રોડ, ફાયર બ્રિગેડ, માયાણી ચોક, રાજનગર ચોક, નાના મવા રોડ, શાસ્ત્રનગર સર્કલથી નાના મવા થઇ કૈલાસધામ આશ્રમ શ્રી ખોડિયાર મંદિરે પહોંચશે અને રાત્રે ૯:૦૦ કલાકે વિસર્જન થશે.

રથયાત્રા શાંતિપૂર્વક રીતે ફરી શકે અને કોઇપણ જાતની અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં બે ડીસીપી, ૩ એસીપી, ૧૪ પીઆઇ, ૬૧ પીએસઆઇ, ૪૬૯ એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, ૫૮ મહિલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ૧૮ એસઆરપી કંપની, ૧૬૭ હોમગાર્ડ અને ૯૫ ટ્રાફિક વોર્ડન બંદોબસ્તની ફરજ બજાવશે. લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા પણ જણાવાયું છે.

શ્રી જગન્નાથજી, શ્રી બલભદ્રજી અને  શ્રી સુભદ્રાજીની મુર્તિ વાળો રથ, ૧૦ આઇશર, ૧૦ છોટા હાથી,

૨૫ કાર, ૧૦ ટ્રેકટર અને ૧૦૦ ટુવ્હીલર સાથે હજ્જારો ભાવીકો જોડાશે

. આ રથયાત્રામાં ભગવાનશ્રી જગન્નાથજી, બલભદ્રજી તથા સુભદ્રાજીની મુર્તિવાળો રથ, ૧૦ આઇશર ટ્રક, ૧૦ છોટા હાથી, ૧૦ ટ્રેકટર, ૨૫-કાર,  ૧૦૦ ટુવ્હીલર સાથે માઇક વાજીંત્રો લઇ ૩૦૦૦ જેટલા ભાવિકો જોડાશે.

(6:12 pm IST)