રાજકોટ
News of Friday, 13th July 2018

'હું આત્મકથા'

નવતર પ્રયોગરૂપે ઉજવાયો સાહિત્ય શ્રેષ્ઠીઓનો મંચનનો ઉત્સવ

રંગમંચીય મંચન, સાહિત્ય તેમજ સંગીત, આ ત્રિપુટી એકબીજા માટે પુરક છે. એકબીજા વિના કદાચ એ અધૂરા ભાસે. હા, તેની સંયુકત કૃતિમાં માહત્મ્ય કોઇનું ઓછાવતુ હોવાનું જ. ગત ૭મીની રાત્રીએ હે.ગ. મીની થિયેટરમાં પાંચ અમર આત્મકથાનક સાહિત્યકૃતિ અને તેના સર્જકોનું માહત્મ્ય અનુભૂત કરાવતો કાર્યક્રમ નાટયમંચન અને સંગીત સહયોગે, એક તદ્દન નવતર પ્રયોગ સ્વરૂપે રજૂ થયો. જેમાં સાહિત્યનો એક પ્રકાર આત્મકથા ખુદ સુત્રધારના પ્રતિકે રજૂ થઇ તેના આત્મકથાનક સર્જકના સંઘર્ષ, સાહસ, નિષ્ફળતા અને સફળતાને વર્ણવી તે સર્જકને પણ પાત્ર સ્વરૂપે રજૂ કરે છે.

તત્કાલીન સમયના માત્ર સાહિત્યકારો જ નહીં, પણ સમાજ સુધારક ક્રાંતિકારીઓ પણ હતા તે નર્મદ, મણિલાલ ત્રિવેદી, ક.મા.મુન્શી, મહાત્માગાંધી તથા ચંદ્રકાંત બક્ષી. આ સર્વે સાહિત્ય શ્રેષ્ઠીઓને 'હું આત્મકથા' કાર્યક્રમ રૂપે નાટયમંચન અને સંગીતની ગોઠડીએ રજૂ કરવા માટેનું સ્ક્રીપ્ટીંગ ગુજરાતી નંબર વન સામાયિક ચિત્રલેખાના પીઢ પત્રકાર અને શ્રાવ્યક્ષમ વકતા શ્રી જવલંત છાયાનું છે. તેમણે આ ગંભીર પ્રકારેના કાર્યક્રમ કૃતિમાં પ્રેક્ષકોના રસને જાળવી રાખવા, ખાસ તો ક.મા.મુનશી સહિતના બધા મહામાનવોની હસી ખુશીની પળોને પણ હાસ્ય રસના શબ્દ સથવારે જાગતલ સમતોલન જાળવ્યું છે. સાહિત્ય અભ્યાસ તથા પત્રકારત્વ અનુભવ તેઓના શબ્દે શબ્દે પ્રતિબિંબિત થાય છે. તેઓના પરિકલ્પન, અભ્યાસપુર્ણ સંશોધન દ્વારા તૈયાર થયેલ મુખ્ય છ પાત્રોની લગભગ એકોકિતઓ સ્વરૂપેના આ કાર્યક્રમની બિલકુલ કોમ્પેકટ સ્ક્રીપ્ટને પોતાની પરિપકવ કલ્પનાશીલતાથી રંગમંચ પર શોભાયમાન કરી છે. યુવા દિગ્દર્શક રક્ષીત વસાવડાએ આ વજનદાર અને બિલકુલ નવતર વિષયની કૃતિના દિગ્દર્શક ઉપરાંત નર્મદ અને ગાંધીજી જેવા તદ્દન વિરોધાભાસી પ્રકૃતિના કિરદારોની ભૂમિકાનો ભાટ રક્ષિત જેવા શિસ્તબધ્ધ રંગકર્મી જ વહન કરી શકે.

આ આખો કાર્યક્રમ પ્રિ - રેકોર્ડેડ છે. જેની રેકોર્ડીંગ કવોલીટી આત્મકથાનકોના સાહિત્ય વ્યકિતત્વને અદલો અદલ ઉજાગર કરે તેવા શુધ્ધ ઉચ્ચાર સ્વરૂપેના સ્વર અભિનય સાથે લીપ મુવમેન્ટના તાલમેલે આંગિક અને અહૈયિક અભિનયે મુર્તિ થતો સાત્વિક અભિનય, પ્રસંગોચિત ગીત તથા પાશ્વ અસર માટે યોગ્ય દ્રષ્યે, યોગ્ય સંગીત, સ્ક્રીન પર રજૂ થતા ભાવવાહી દ્રષ્યોના રંગમંચ દ્રષ્ટ સાથે ઝર્ક ન અનુભવાય તે રીતના સંકલનનો પ્રવાહ જેવી દરેક બાબતે દિગ્દર્શક તરીકે ઓછા અનુભવે પણ કેળવી લીધેલ. દિગ્દર્શકમાં જરૂરી કલ્પનાશીલતાનો રક્ષિત વસાવડાએ ચિવટથી પરિચય કરાવ્યો.

'આત્મકથા' ની ભૂમિકામાં કાનન છાયા, ટુંકા ગાળામાં જ કેળવાયેલ યુવા કલાકાર હર્ષિક ઢેબર (ક.મા.મુન્શી) જાણીતા હાસ્ય કલાકાર મિલન ત્રિવેદીના પુત્ર દેવર્ષ ત્રિવેદી (મણીલાલ) તથા જેમણે સાહિત્ય જગતમાં કલમનો ઉપયોગ તલવાર જેવો કરી જાણ્યો તે ચંદ્રકાંત બક્ષીની ભૂમિકામાં હિતાર્થ ત્રિવેદી, આ સર્વે યુવા અભિનેતાઓએ પોતાની ભૂમિકાઓને ભજવી નહી, જીવી બતાવી. હિતાર્થે તો અભિનયે બક્ષીને તોખારની જેમ હણહણાવ્યા !! વાહ...

રાજકોટના એકમાત્ર કાબેલ કહી શકાય તેવા રંગ-વેશ ભુષા કસબી રાકેશ કડીયાએ આ બધા પાત્રોને પોતાના આ કસબથી રંગમંચે જાણે હૈયાત કરી દીધા. તે એટલો જ નિષ્ઠાવાન કલાકાર નિર્માતા પણ છે. પડદો ખુલતા જ પોતાની સન્નીવેશ (સેટ સજજા) માસ્ટરીથી પાંચેય સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિનો સાક્ષાત્કાર કરાવી આપનાર નિયુબ સન્ની વેશક, કેયુર અંજારીયા તો ખરેખર સેલ્યુટને પાત્ર... ચેતસ ઓઝા, કુ.ઘટા વસાવડા અને કાનન છાયા જેવા યુવાનો સાથે લેખક અભિમન્યુ મોદી તથા જાણીતા ફિલ્મ દિગ્દર્શક ક્રીએટીવ પર્સન હરિત ઋષિ પુરોહિત જેવી હસ્તીઓનો હૂંફાળો સાથ આ કાર્યક્રમ કર્મીઓને મળ્યો.

'કવિ - સાહિત્યકાર ઔર કલાકાર રસયુકત ગન્ને હૈ, અપની સંસ્કૃતિ કે વે વિશિષ્ટ પન્ને હૈ', હરી જોશીના આ કવોટને બરાબર સાબિત કરતા અને સૌ લાગતા વળગતાઓને નવો ચિલો ચિંધતા આ કાર્યક્રમ માટે જવલંત છાયા, રક્ષિત વસાવડા તથા તેની ધ્યેયનિષ્ટ બળુકી ટીમને પૂરા આદર સાથે અભિનંદ..અભિનંદન.. અભિનંદન..

:: સંકલન :: કૌશિક સિંધવ

મો. ૭૩૫૯૩ ૨૬૦૫૧

(1:55 pm IST)