રાજકોટ
News of Friday, 13th July 2018

લાતી પ્લોટના અનિલે પાંચની સામે ૨૫ હજાર વ્યાજ ભર્યુ, છતાં વધુ માંગી હુમલોઃ ભીંતમાં માથું અથડાવ્યું

મિત્રને પૈસા અપાવવામાં વચ્ચે પડ્યો'તોઃ સંજય કોળીએ ઢીકા-પાટુ મારતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૩: વ્યાજખોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. લાતી પ્લોટમાં રહેતાં કોળી યુવાને વ્યાજે લીધેલા ૫૦૦૦ સામે ૨૫ હજાર ચુકવી દીધા છતાં વધુ વ્યાજ માંગી કોળી શખ્સે તેને ઢીકા-પાટુનો માર મારી દિવાલમાં માથુ ભટકાવતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

લાતી પ્લોટ-૧૦માં રહેતો અનિલ ધીરૂભાઇ રાજાણી (ઉ.૨૧) નામનો કોળી યુવાન રાત્રે ઘર પાસે હતો ત્યારે સંજય ચાવડા નામના કોળી શખ્સે આવી ઝઘડો કરી માર મારી માથુ દિવાલમાં ભટકાવી ઇજા કરતાં સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

અનિલના કહેવા મુજબ પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. એકાદ વર્ષ પહેલા હરેશ નામના મિત્રને પૈસાની જરૂર હોઇ સંજય પાસેથી તેને પ હજાર અપાવ્યા હતાં. જેમાં પોતે જામીન હતો. હરેશ હવે મળતો નથી, તેની બદલે તેણે રૂ. ૨૫ હજાર કટકે-કટકે ચુકવી દીધા છે. આમ છતાં સંજય સતત ઉઘરાણી કરતો હોઇ પોતે ગામ મુકીને ભાગી ગયો હતો. ગકાઇલે જ પાછો આવતાં ફરીથી તેણે વ્યાજની ઉઘરાણી કરી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

(12:36 pm IST)