રાજકોટ
News of Friday, 13th July 2018

મેડીકલ-એન્જીનીયરીંગમાં રાજકોટમાંથી અપાયેલ ડોમીસાઇલ સર્ટીફિકેટની ચકાસણી કરવા કલેકટરનો આદેશઃ કમિટી બનાવાઇ

છેલ્લા ૧૦ વર્ષમાં ઇસ્યુ થયેલ સર્ટિફિકેટની ચકાસણી થશેઃ ૨૦ મી સુધીમાં કલેકટરે રીપોર્ટ મંગાવ્યોઃ કેટલાય સર્ટિફિકેટ બોગસ નીકળ્યા હોય ગુજરાત મેડીકલ કમિટીએ દરેક કલેકટર પાસેથી વિગતો મંગાવી

રાજકોટ તા.૧૨: મેડીકલ-એન્જીનીયરીંગમાં ગુજરાતનો કવોટા ૮૫ ટકા હોવા છતાં બહારના રાજયોના વિદ્યાર્થીઓ એડમીશનમાં લાભ લઇ જાય છે, આવું ઘણા સમયથી ચાલે છે, આ બાબતે રાજયભરમાં મેડીકલના વિદ્યાર્થીઓ-વાલીઓએ ભારે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો, તાજેતરમાં રાજકોટમાં પણ આંદોલન થયેલ, અને રાજકોટના ઘણા ખરા કલાસીઝવાળા મોટું કોૈભાંડ આચરતા હોવાની ફરિયાદો ઉઠી હતી.

આ પછી મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ તપાસ હાથ ધરી હતી, ગુજરાત મેડીકલ કમિટી દ્વારા બોગસ ડોમીસાઇલ દ્વારા મેડીકલ-એન્જીનીયરીંગમાં એડમીશન અંગે તપાસ શરૂ કરાઇ છે, અને તે સંદર્ભે રાજકોટ સહિત રાજયભરના કલેકટરોને પોતપોતાના જિલ્લામાં છેલ્લા ૧૦ વર્ષમાં ઇસ્યુ થયેલ ડોમીસાઇલ સર્ટીફિકેટની ચકાસણી કરી લેવા આદેશ કરાયો છે.

રાજકોટ કલેકટર ઉપર આ સૂચના આવતા કલેકટરશ્રી રાહુલ ગુપ્તાએ આ માટે સીટી પ્રાંત-ર અને ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાનીના અધ્યક્ષ પદે સ્પ. કમિટી બનાવી છે, જેમાં કલેકટર ટુ ચીટનીસ, મેડીકલ-પેરામેડીકલની એડમીશન કમિટીના તજજ્ઞ સહિત કુલ ૪ સભ્યોની કમિટી એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કલેકટરે તા. ૨૦ જુલાઇ સુધીમાં રીપોર્ટ કરવા પણ આદેશ કર્યો છે.

કમિટી દ્વારા ઇસ્યુ થયેલ ડોમીસાઇલ સર્ટિફિકેટ માટે આધાર-પુરાવાની ચકાસણી શરૂ કરી દેવાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે મેડીકલ-પેરામેડીકલ તથા એન્જીનીયરીંગમાં ગુજરાતમાં ૧૦ વર્ષથી રહેતો હોય તો તેને ડોમીસાઇલ સર્ટીફિકેટને કારણે એડમીશનમાં પ્રાયોરીટી મળે છે, આમાં ગુજરાતનો ૮૫ ટકા અને નેશનલ લેવલનો ૧૫ ટકાનો કવોટા છે, ચર્ચાતી હકીકત મુજબ બોગસ ડોમીસાઇલ સર્ટીફિકેટ નીકળ્યાની વ્યાપક ફરીયાદો પણ ઉઠી હોય, તપાસનો ધમધમાટ શરૂ થયો છે. (૧.૨૦)

(4:23 pm IST)