રાજકોટ
News of Thursday, 13th June 2019

ગોંડલ રોડ ચોકડીએ વેનમાં આગ ભભૂકીઃ ચાલક સમયસર નીચે ઉતરી જતાં બચાવ

માલધારી ફાટક પાસે રહેતાં જીતેશભાઇ સોલંકી શાપર જવા નીકળ્યા ત્યારે બનાવઃ દોઢ લાખનું નુકસાન થયાનું ફાયર બ્રિગેડ સુત્રોનું કથન

રાજકોટઃ ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે સવારે રોડ પર જીજે૩બીએ-૯૩૭૫ નંબરની મારૂતિવેન કારમાં આગ ભભૂકતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. ફાયર બ્રિગેડને જાણ થતાં મુબારકભાઇ, વિનોદભાઇ, જયેશભાઇ ડાભી, બિરેનકુમાર સહિતે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. કારના માલિક માલધારી ફાટક પાસે રહેતાં જીતેશભાઇ કરસનભાઇ સોલંકીના કહેવા મુજબ પોતે સવારે શાપર જવા નીકળ્યા ત્યારે અચાનક કારમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડતા પોતે કાર ઉભી રાખી નીચે ઉતરી ગયા હતાં. જોતજોતામાં કાર ભડકે બળી હતી. શોર્ટ સરકિટથી આગ લાગ્યાની શકયતા છે. ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગથી દોઢ લાખનું નુકસાન થયું છે. સળગતી કાર અને આગ બુઝાવવાની કાર્યવાહી જોઇ શકાય છે.

(4:02 pm IST)