રાજકોટ
News of Thursday, 13th June 2019

વોર્ડ નં. ૩માં ગાયત્રીબા વાઘેલા રાતભર સેવારતઃ ૧૫૦ પરિવારોની રહેવા-જમવાની કરી વ્યવસ્થા

વાયુ વાવાઝોડા સંદર્ભે મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને કોર્પોરેટર ગાયત્રીબાએ તેમની ટીમ સાથે રાતભર રૂખડીયા સહિતના વિસ્તારોમાં ફરી લોકોને સલામત સ્થળે ખસેડયાઃ જ્યુબેલી કંટ્રોલ રૂમે હાજર રહીને વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખી

રાજકોટ, તા. ૧૩ :. સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાનો ખતરો હોય ગઈરાતથી જ રાજકોટમાં નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી રાત્રીના રહેવા-જમવાની વ્યવસ્થા મ્યુ. કોર્પોરેશનના પદાધિકારીઓ-તંત્રવાહકો દ્વારા કરવામાં આવી રહી હતી. જે અંતર્ગત વોર્ડ નં. ૩ ના કોંગ્રેસના કોર્પોરેટર અને મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ ગઈ આખી રાત્રી દરમિયાન વોર્ડ નં. ૩ ના નિચાણવાળા વિસ્તારોમાં સતત દોડતા રહી ૧૫૦ જેટલા પરિવારને સલામત સ્થળે ખસેડીને તેઓના રહેવા તથા જમવાની વ્યવસ્થા કરાવી હતી.

આ અંગેની વિસ્તૃત વિગતો મુજબ 'વાયુ' વાવાઝોડાના પગલે વોર્ડ નં. ૩માં આજી નદીની આસપાસ આવેલ રૂખડિયાપરા, નરસંગપરા જેવા ઝૂપડપટ્ટી વિસ્તારોમાં મ.ન.પા.ના ડે. કમિશ્નર સી.કે. નંદાણી, વોર્ડના ઈજનેર શ્રીવાસ્તવ, વોર્ડ ઓફિસર દિપેન ડોડીયા, ઈ.ઈ. શ્રી રવાણી, મયુરભાઈ ગોહેલ, આનંદ મિરાણી તેમજ કોંગ્રેસના આગેવાન એડવોકેટ અશોકસિંહ વાઘેલા, વોર્ડના આગેવાન હેમુભાઈ પરમાર, મનોજભાઈ ટીંબાલીયા, કમલેશભાઈ વાઘેલા, રફીકભાઈ બ્લોચ, ઈમરાનભાઈ બ્લોચ, હારૂનભાઈ, ગજેન્દ્રસિંહ જાડેજા સહિતની સમગ્ર ટીમ સાથે વોર્ડના જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા સાંજથી રાત્રીના ૩.૦૦ વાગ્યા સુધી સતત વિસ્તારમાં લોકોની વચ્ચે ફરી આશરે ૧૦૦ પરિવારથી ૧૫૦ પરિવારોનું વોર્ડ નં. ૩ની 'ડાક બંગલા સ્કૂલ' તેમજ 'મંગલ પાંડે' સ્કૂલ ખાતે સલામત સ્થળે મોકલી ત્યાં સામાજિક સંસ્થાઓનો સંપર્ક કરી જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ સવારે ૮.૩૦ વાગ્યે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને સતત જાગૃત કોર્પોરેટર દ્વારા આખી રાત પોતાના વિસ્તારમાં વાયુ વાવાઝોડાના પગલે પ્રજાના જાન-માલનું નુકશાન ન થાય તે માટે સતત તંત્રને સાથે રાખી રાત ઉજાગરો કરી કાર્યવાહી કરી હતી અને જ્યુબેલી ગાર્ડન ખાતે આવેલ મુખ્ય કંટ્રોલ રૂમમાં પણ પોતાની ટીમ સાથે અધિકારીની સાથે રહી સતત મોનીટરીંગ કરેલ હતુ. એક જાગૃત નગર સેવક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી.

(3:58 pm IST)