રાજકોટ
News of Thursday, 13th June 2019

વાવાઝોડાથી ગભરાઇ ગયેલા અમરેલીનાં બહેનને રાજકોટ કલેકટરે હિંમત આપી

સંવેદનશીલ સરકારનું વહીવટીતંત્ર પણ સંવેદનશીલ : પાંચ માળના બિલ્ડીંગમાં બે બાળકો સાથે એક માત્ર મહિલા ફંસાયેલા હોઇ ડો. રાહુલ ગુપ્તા એ રેસ્કયુ ટીમ મોકલી

રાજકોટ તા. ૧૩: વાવાઝોડાને કારણે રાજયભરમાં એલર્ટ અને ભયનો માહોલ સર્જાયો હતો. જોકે રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં અફલાતૂન ડીઝાસ્ટર મેનેજમેન્ટને કારણે તમામ સ્થળોએ સરકારી તંત્ર લોકો સાથે રહ્યું હતું. આ દરમિયાન રાજકોટનાં કલેકટરે અમરેલીનાં પાંચ માળનાં બિલ્ડીંગમાં એકલા ફસાયેલ બહેનને હિંમત આપી જબરો સધિયારો આપ્યો હતો.આ અંગેની વિગતો મુજબ રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાને મુંબઇથી અભિનવ નામનાં વ્યકિતએ ફોન ઉપર મેસેજ આપ્યા કે ''તેઓના બહેન બે બાળકો સાથે અમરેલીમાં પાંચ માળનાં બિલ્ડીંગમાં એકલા ફસાયા છે. બિલ્ડીંગ ખાલી કરીને બધા જતા રહ્યા છે તેથી તેઓ ખુબ ગભરાયેલા છે.'' આ મેસેજ મળતાં રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ રાજકોટ ડીઝાસ્ટર મેનેજમેન્ટનાં અધિકારી પ્રિયંક સિંઘને જાણ કરી અમરેલી જીલ્લા વહીવટી તંત્ર મારફત રેસ્કયુ ટીમ મોકલી અને અમરેલીમાં પાંચ માળનાં બિલ્ડીંગમાં એકલા ફસાયેલ બહેનને સધિયારો અપાયેલ તમામ અધિકારીઓનાં ફોન નંબરો આપ્યાં હતાં અને કોઇપણ મુશ્કેલીમાં સીધોજ ફોન કરવાં કલેકટર રાહુલ ગુપ્તાએ પણ બહેનને જણાવતાં તેઓમાં હિંમત આવી હતી. આવી સંવેદનશીલ સરકારનું વહીવટી તંત્ર પણ સંવેદનશીલ હોવાનો કિસ્સો નોંધાયો હતો.

(3:57 pm IST)