રાજકોટ
News of Thursday, 13th June 2019

રાજકોટમાં સવારે ઝાપટુ બાદ વાદળછાયુ વાતાવરણ

સતત બીજા દિવસે આકાશમાં છવાયેલા વાદળો : ગરમીમાં ઘટાડાથી શહેરીજનોને રાહત મળી : બપોરે ૨૯.૨ ડિગ્રી : એક જ દિવસમાં તાપમાનમાં ૧૦થી ૧૧ ડિગ્રીનો ઘટાડો

રાજકોટ, તા. ૧૩ : 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ જઈ રહ્યુ છે. પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને હળવો વરસાદ પડી રહ્યાના વાવડ મળી રહ્યા છે.

રાજકોટ શહેરમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આમ તો ગઈકાલે બપોરથી જ આકાશમાં વાદળો છવાયા હતા. સાંજના સમયે પવનનું જોર જોવા મળ્યુ હતું. દરમિયાન આજે સવારે આકાશમાં જબ્બર વાદળો છવાઈ ગયા હતા. સવારે સાતેક વાગ્યાની આસપાસ છાંટા પડવાની શરૂઆત થઈ ગઈ હતી. થોડીવારમાં ધીમીધારે શરૂ થઈ ગયો હતો. હળવા વરસાદના પગલે માર્ગો ભીંજાઈ ગયા હતા. અમુક લોકો વરસાદની મજા માણવા નીકળી ગયા હતા.દરમિયાન આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગ્યે રાજકોટ શહેરમાં ૨૯.૨ ડિગ્રી તાપમાન છે. ૧૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આકાશમાં વાદળો છવાયેલા છે.

(3:56 pm IST)