રાજકોટ
News of Thursday, 13th June 2019

ફાયરબ્રીગેડમાં ફરી વાયરલેશ કન્ટ્રોલ રૂમ શરૂ કરાવાશેઃ ઉદય કાનગડ

આપાતકાલીન સ્થિતીમાં વાયરલેશ દૂરસંચાર માટે હાથવગુ સરળ સાધન છે તેથી બંધ કરી દેવાયેલ વાયરલેસ સેટ ફરીથી શરૂ કરાવાશેઃ સ્ટેન્ડીંગ ચેરમેન દ્વારા તજવીજ

રાજકોટ તા. ૧૩ :.. ફાયર બ્રીગેડ વિભાગમાં દૂર સંચાર માટે વર્ષો સુધી જેનો દબદબો રહ્યો હતો. તેવા વાયર લેશ કન્ટ્રોલ રૂમનો મોબાઇલ ફોનનો યુગ આવતાં બંધ કરી દેવાયેલ છે. પરંતુ આપતકાલીન સ્થિતીમાં દૂર સંચારમાં વાયરલેસ સેટ હાથવગું અને સફળ સાધન હોઇ એ ફાયર બ્રીગેડમાં ફરીથી વાયરલેસ કન્ટ્રોલ રૂમ શરૂ કરાવવા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે તજવીજ હાથ ધરી છે.

આ અંગે શ્રી કાનગડે જણાવ્યું હતું કે રાજકોટ ફાયર બ્રીગેડમાં વર્ષો અગાઉ વાયરલેશ કન્ટ્રોલ રૂમ હતો. આ કન્ટ્રોલ રૂમ સાથે તમામ ડેમ ફલ્ડ કન્ટ્રોલ પાણીના પમ્પીંગ સ્ટેશનો, ફાયર ફાઇટરો, મ્યુ. કમિશ્નર - મેયર સહિતનાં પદાધિકારીઓની મોટર કાર સહિતનાં વાહનોનાં વાયરલેશ સેટ જોડાયેલા હતાં. જેનાં કારણે આપતકાલીન સ્થિતી અંગે એકજ સ્થળેથી તમામ જગ્યાએ સાવચેતીનાં સંદેશા ઝડપથી અને સરળ રીતે આપી શકાતાં હતાં.

આમ વાયરલેસ સેટ દુર સંચારનું અત્યંત સરળ અને હાથવગુ સાધન હતું. પરંતુ મોબાઇલ ફોનનો યુગ આવતાં વાયરલેસ સેટ બંધ કરી દેવાયા છે.

હવે ફરી આ વાયરલેસ સેટનાં કન્ટ્રોલ શરૂ કરાવવા તજવીજ હાથ ધરાઇ છે કેમ કે આ માટેનું લાયસન્સ પણ કોર્પોરેશન પાસે હજુ યથાવત છે. ત્યારે વાયરલેશ કન્ટ્રોલ પુર - વાવાઝોડા ભારે વરસાદ જેવા આપતકાલીન સ્થિતીમાં ઘણો જ મદદરૂપ થઇ શકે તેમ છે.

(3:56 pm IST)