રાજકોટ
News of Thursday, 13th June 2019

શ્રી કૃષ્ણગિરી પાર્શ્વ પદ્માવતી મહાતીર્થ ધામનો ૧૭મો ધ્વજારોહણ : કાલથી ત્રિ-દિવસીય મહોત્સવ

રાષ્ટ્રસંત યતિવર્ય પ.પૂ.ડો.શ્રી વસંતવિજયજી મ.સા.ની નિશ્રા

રાજકોટ,તા.૧૩: તામિલનાડુ સ્થિત વિશ્વ પ્રસિધ્ધ શ્રી કૃષ્ણગિરી પાર્શ્વ પદ્માવતી શકિતપીઠ તીર્થધામ જયાં મહાચમત્કારી શ્રી સહસ્ત્રફણા શકિત પાર્શ્વનાથ, શ્રી શકિત પાર્શ્વનાથ પ્રભુજી મુળનાયક તરીકે પદ્માવતી દેવી માતા સાક્ષાત બિરાજમાન છે તેમજ શ્રી ધરણેન્દ્ર દેવ, ક્ષેત્રપાલ દેવ, શ્રી કાલ ભૈરવજી તથા શ્રી પદ્માવતી દેવી માતા ૨૩ અલગ- અલગ દિવ્ય રૂપોમાં અલગ અલગ દેરીઓમાં બિરાજમાન છે. તેમજ ક્ષેત્ર અધિષ્ઠાયક શ્રી ભોમિયાજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે તેમજ શ્રી ત્રિનેત્રી પદ્માવતી માતાજીનું ભવ્ય રથમંદિર આવેલ છે. તીર્થધામના ૧૭માં ધ્વજા રોહણ પ્રસંગે આગામી તા.૧૪ થી ૧૬ જુન ત્રિદિવસીય ભવ્ય ધ્વજા મહોત્સવ ધામધુમથી ઉજવાશે.

ત્રિ- દિવસીય ભવ્ય ધજા મહોત્સવમાં કાલે તા.૧૪ને શુક્રવારે કુંભ સ્થાપના, દીપક સ્થાપક, જવારા રોપણ, પાટલા પૂજન, નવગ્રહ પૂજન, ક્ષેત્રપાલ પૂજન તેમજ બપોરે શ્રી ઉવસગ્ગહરં મહાપૂજન તેમજ રાત્રે ઉજજૈનના પ્રસિધ્ધ ૪૦ નાટય કલાકારો દ્વારા શ્રી પદ્માવતી શુક્રવાર આરાધના કથાના નાટકની પ્રસ્તુતિ તથા ભવ્યાતિભવ્ય ભકિત સંગીત યોજાશે.

તા.૧૫ને શનિવારના રોજ સતરભેદી મહાપૂજા સહિત સર્વ જિનાલય- દેવલાયમાં ભવ્યાતિભવ્ય નૂતન ધ્વજારોહણ તથા સાંજે 'શ્રી નાકોડા ભૈરવની મહિમા'ના ભવ્ય નાટકની પ્રસ્તુતિ તથા ભવ્યાતિભવ્ય ભકિત સંગીતનું આયોજન કરાયું છે.

રવિવારે તા.૧૬ના રોજ બપોરે બૃહદ શાંતિસ્નાત્ર મહાપૂજન તેમજ સાંજે ભવ્ય ભકિત સંધ્યામાં સંગીતકાર દીપક કરણપુરિયા એન્ડ પાર્ટી, પ્રતાપગઢ ભકિત રસ પીરસશે.

આ ભવ્યાતિભવ્ય ત્રિ- દિવસીય મહાધજા મહોત્સવમાં દરરોજ સુપ્રસિધ્ધ ભકિતકારો, સંગીત કલાકારો દ્વારા પ્રભુ ભકિતની ભવ્ય રમઝટ બોલાવવામાં આવશે. તેમજ સમગ્ર તીર્થધામ પરિસરમાં ભવ્ય રોશનીની સજાવટથી ઝટમગાટ પ્રસરશે. આ દિવ્ય પ્રસંગે દેશ- વિદેશના અન્ય શહેરોમાંથી ખુબજ મોટી સંખ્યામાં ભકતો ઉપસ્થિત રહીને દર્શન વંદન તથા પૂજય ગુરૂદેવના આશિર્વચનનો લાભ લેશે.

(3:35 pm IST)