રાજકોટ
News of Wednesday, 12th June 2019

મિત્રના જન્મની ઉજવણી દરમ્યાન થયેલા ફાયરીંગ-ખૂની હુમલા કેસમાં વધુ બે આરોપીની જામીન અરજી નામંજુર

આરોપીઓ વિરૂધ્ધ ગંભીર ગુનો છેઃ જામીન આપી શકાય નહિઃ અદાલત

રાજકોટ, તા.૧૨: અહીંના યુનિ.રોડ ઉપર આવેલ ભગતસિંહજી ગાર્ડન પાસે મિત્રની જન્મદિવસની ઉજવણી માટે ભેગા  થયેલા મિત્રો વચ્ચે થયેલા ડખ્ખામાં રીવોલ્રમાંથી થયેલા  ફાયરીંગ અને છરી વડે ખુની હુમલો કરવાના બનાવમાં પકડાયેલા બે આરોપીઓ ઉમંગ ગોવિંદભાઇ પટેલ અને રજત ઘનશ્યામભાઇ ગોંડલીયાએ જામીન પર છુટતા કરેલ ચાર્જશીટ બાદની અરજીને એડી.સેસન્સ જજ શ્રી દિગંત વોરાએ નકારી કાઢી હતી. બનાવ અંગે જયપાલસિંહ બાલુભા જાડેજાએ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદની વિગત ( ફરીયાદી અને આરોપીઓ મિત્રો હોય. ડેનીશ નામના મિત્રના જન્મદિવસની ઉજવણી માટે ભગતસિંહ ગાર્ડન પાસે એકઠા થયેલા. દરમ્યાન તેઓ વચ્ચે અંદરોઅંદર ડખ્ખા થતા એક મિત્ર પાસે રહેલ રીવોલ્વરમાંથી  ફાયર થયેલ. તેમજ છરી વડે ખુની હુમલો થતાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. આરોપીઓએ ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી.

ગુનામાં ઉપરોકત બંને આરોપીઓએ જામીન પર છૂટતા અરજી કરતા સરકારી વકીલશ્રી મહેશભાઇ જોષીએ રજૂઆત કરેલ કે હાલનો બનાવ ખુબજ ગંભીર છે. આરોપીઓ અંદરોઅંદર મિત્રો હતા. સાવ નજીવી બાબતે ડખ્ખો થતાં રીવોલ્વર-છરી જેવા હથિયારોનો ઉપયોગ થયેલ હોય ચાર્જશીટ બાદ સંજોગો બદલાયેલ હોય  ગંભીર ગુનામાં આરોપીને જામીન આપી શકાય નહી.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. જજશ્રી વોરાએ બંને આરોપીઓની જામીન અરજીને નકારી કાઢી હતી. આ કામમાં  એ.પી.પી.શ્રી મહેશભાઇ જોષી રોકાયા હતા.

(4:17 pm IST)