રાજકોટ
News of Wednesday, 12th June 2019

વેપારી નિશીતભાઇ ઠક્કર કેસરી પુલ પરથી પટકાયા

બ્લેડની એજન્સી ધરાવતાં વેપારીને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયાઃ ૪૬ વર્ષિય નિશીતભાઇ અપરિણીત છે અને એકલા રહે છેઃ કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોઇ જુનાગઢથી બહેન દેખરેખ માટે આવ્યા'તાઃ ઘરેથી બાઇક લઇને નીકળ્યા બાદ પુલ પરથી પટકાયાઃ ગંભીર ઇજા

રાજકોટ તા. ૧૩: સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક સોપાન હેરીટેજમાં રહેતાં લોહાણા વેપારી નિશીતભાઇ મુકુંદભાઇ ઠક્કર (ઉ.૪૬) આજે બપોરે કેસરી પુલ પરથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા છે.

એક વ્યકિત કેસરી પુલ પરથી પટકાયાની જાણ થતાં ૧૦૮ના ઇએમટી જયદિપભાઇ સબાડ અને પાઇલોટ ગોરધનભાઇ પહોંચ્યા હતાં. તેણે પુલ નીચે લોહીલુહાણ પડેલા આ વ્યકિતને તાકીદે સારવાર માટે સિવિલમાં પહોંચાડ્યા હતાં. તેમની પાસેથી મળેલા મોબાઇલ ફોનને આધારે તેમના બહેન ધારાબેન કક્કડનો સંપર્ક કરી તેમને હોસ્પિટલે બોલાવાયા હતાં. ધારાબેન તથા બીજા સ્વજનોએ અહિ પહોંચી નિશીતભાઇને વધુ સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં એએસઆઇ કે. યુ. વાળા તથા અશ્વિનભાઇએ વોકહાર્ટ હોસ્પિટલે પહોંચી નિવેદન નોંધવા કાર્યવાહી કરી હતી. જાણવા મળ્યા મુજબ નિશીતભાઇ એક બહેનથી નાના અને અપરિણીત છે. તેમના બહેન જુનાગઢ સાસરે છે. નિશીતભાઇ સુપરમેકસ બ્લેડની એજન્સી રાખી વેપાર કરે છે. કેટલાક દિવસોથી તેઓ ધંધા સહિતની બાબતોને કારણે ડિપ્રેશનમાં હોઇ જુનાગઢથી બહેન તેમની દેખરેખ માટે આવ્યા છે. બપોરે નિશીતભાઇ ઘરેથી બાઇક લઇને નીકળ્યા બાદ તેઓ કેસરી પુલ પરથી પટકાયાનો બહેનને ૧૦૮ મારફત ફોન આવ્યો હતો.  નિશીતભાઇએ આપઘાતનો પ્રયાસ કર્યો કે કેમ? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

નિશીતભાઇના ખિસ્સામાંથી ૪૮૦૦ રૂપિયા રોકડા તથા અગત્યના ડોકયુમેન્ટ મળતાં ૧૦૮ના સ્ટાફે તેમના સ્વજનોને પહોંચાડ્યા હતાં. નિશીતભાઇને પગ, માથા, છાતી, હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી છે.

(3:41 pm IST)