પત્નિ ફરિયાદ કરવા જતાં સંજયગીરી ગોસ્વામીએ હાથમાં જાતે છરી ઝીંકી
પોલીસે ધોકાવ્યાના આક્ષેપ સાથે બાવાજી શખ્સ હોસ્પિટલમાં દાખલ થયોઃ પત્નિ નૈનાએ કહ્યું-બીજી મહિલાને ઘરે લાવતાં માથાકુટ થઇઃ હુડકોનો બનાવ
રાજકોટ તા. ૧૩: કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં બસ સ્ટોપ પાછળ રહેતો સંજયગીરી ચમનગીરી ગોસ્વામી (ઉ.૨૭) પોતાને પોલીસે માર માર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. જો કે પોલીસ તપાસમાં એવું ખુલ્યું હતું કે સંજયગીરી તેની પત્નિ નૈના સાથે માથાકુટ કરતો હોઇ તેણી પોલીસ મથકે ફરિયાદ કરવા જતાં રોષે ભરાઇ જાતે જ સંજયગીરીએ પોતાના હાથમાં છરી ઝીંકી લોહી કાઢ્યા હતાં.
લોહીલુહાણ હાલતમાં આ બાવાજી શખ્સ હોસ્પિટલે પહોંચતા પોલીસની પુછતાછમાં તેણે પોતાને ત્રણ લેડીઝ પોલીસ અને એક પુરૂષ પોલીસ કર્મચારીએ ઘરે આવીને ધોકાવ્યાનું જણાવતાં તે મુજબની એન્ટ્રી થઇ હતી. જો કે ભકિતનગરના એએસઆઇ સુભાષભાઇ ડાંગર સહિતનો સ્ટાફ હોસ્પિટલે તપાસ કરવા આવતાં સંજયગીરીની પત્નિ નૈનાએ જણાવ્યું હતું કે પતિ કોઇ બીજી બાઇને લઇને ઘરે આવતાં તેને ના પાડતાં પોતાને મારકુટ કરી હતી. આ બાબતે પોતે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચતા ગુસ્સે ભરાઇને તેણે જાતે જ હાથમાં છરી ઝીંકી લીધી હતી. પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.