રાજકોટ
News of Wednesday, 13th June 2018

આંગડીયા પેઢીના એક કરોડ ૧૮ લાખની ઉચાપત કેસમાં આરોપીની જામીન અરજી રદ

આરોપી વિરૂધ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છેઃ કોર્ટ

રાજકોટ તા.૧૩: અત્રે સોન બજારમાં આભુષણ કોમ્પ્લેક્ષમાં આવેલ પટેલ ઇશ્વરલાલ બેચરદાસ આંગડીયા પેઢીમાંથી રૂ. ૧ કરોડ ૧૮ લાખની ઉચાપત કરવાના ગુનામાં પકડાયેલા પેઢીના મેનેજર તરીકે નોકરી કરતાં આરોપી હરેશ હસમુખરાય દવે એ જામીનપર છુટવા કરેલ અરજીને એડી. સેસન્સ જજ શ્રી પી. સતિષકુમારે નકારી કાઢી હતી.

આ કેસ અંગેની વિગત એવી છે કે, આરોપી હરેશ દવે સદરહું પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતા હોઇ શેઠનો વિશ્વાસ કેળવ્યો હતો જેનો ગેરલાભ લઇને પેઢીનો વહીવટ સંભાળી શેઠ ગેરહાજર હોય ત્યારે ગ્રાહકોના હિસાબોના નાણાં નહિ ચુકવીને રૂ. ૧કરોડ ૧૮ લાખની ઉચાપત કરતાં પેઢીના સંચાલકે પોલીસમાં ફરીયાદ કરી હતી.

આ ફરીયાદના અનુસંધાને પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરતાં આરોપીએ જમીનપર છુટવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલશ્રી મહેશભાઇ જોષીએ રજુઆત કરેલ કે, આરોપી સામે પ્રથમ દર્શનીય ગંભીર ઉચાપતનો ગુનો છે. આવા બનાવોનું પ્રમાણ વધી રહયું છે. આરોપી સામે સમાજ વિરોધી ગુનો હોય જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સેસન્સ અદાલતે આરોપીની જામીન અરજીને રદ કરી હતી આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. મહેશભાઇ જોષી રોકાયા હતા. (૧.૨૪)

(2:46 pm IST)