રાજકોટ
News of Wednesday, 13th June 2018

રાજકોટ ખાતે 'કેટ' સહિતની આઠ ટ્રીબ્યુનલો શરૂ કરવા બાર એસો. દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

સૌરાષ્ટ્રની વિશાળ જનતાને લાભ આપવા પેન્ડીંગ કેસોનું ભારણ ઓછુ કરવા ટ્રીબ્યુનલોને રાજકોટ ખાતે લાવવી જરૂરી

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ બાર એસો. દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિત અલગ-અલગ ૧૦ પ્રધાનો નેતાઓને પત્ર પાઠવીને રાજકોટ ખાતે અલગ-અલગ ટ્રીબ્યુનલો લાવવાની માંગણી કરી છે.

આ માંગણીમાં (૧) હાયર સેકન્ડરી સ્કુલ્સ સર્વિસીસ ટ્રીબ્યુનલ (ર) સ્ટેટ કન્ઝયુમર કમીશન (૩) ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ (૪) સ્ટેટ કો-ઓપરેટીવ ટ્રીબ્યુનલ (પ) પ્રાઇમરી એજયુકેશન ટ્રીબ્યુનલ (૬) ગુજરાત એજયુકેશનલ ઇન્સ્ટીટયુસન્સ સર્વિસીઝ ટ્રીબ્યુનલ (૭) ડેઇટશ રીકવરી ટ્રીબ્યુનલ (૮) સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ (કેટ) નો સમાવેશ થાય છે.

બાર એસો. એ લખેલ પત્રમાં જણાવેલછે કે, રાજકોટ સૌરાષ્ટ્રનું કેપીટલ આર્થિક પાટનગર છે. રાજકોટની આજુબાજુમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, વિગેરે જીલ્લાઓ આવેલ છે.

ઉપરોકત જીલ્લાઓના લોકોને આવી ટ્રીબ્યુનલો માટે અમદાવાદ જવુ પડતું હોય તેના કારણે લોકોને ખર્ચ ઉપરાંત સમયનો પણ બગાડ પણ થાય છે. રાજકોટ વિકસનું શહેર છે. સૌરાષ્ટ્રની રાજધાની છે. જેથી આવી ટ્રીબ્યુનલો રાજકોટ ખાતે સ્થાપવી જરૂરી હોય આ અંગે ઉપરોકત જણાવેલ ટ્રીબ્યુનલોને રાજકોટમાં શરૂ કરવા બાર એસો. દ્વારા મુખ્યમંત્રી વિગેરેને વિનંતી કરવામાં આવેલ છે.

રાજકોટમાં શિક્ષણનો વ્યાય વધ્યો છે. રાજકોટ શિક્ષણનું હબ છે. આ ઉપરાંત ગ્રાહકોમાં પણ જાગૃતિ આવેલ છે. તેથી સ્ટેટ કમિશનર કન્ઝયુમર ફોરમની જરૂરીયાત ઉભી થયેલ આમ ઉપરોકત તમામ જણાવેલ ટ્રીબ્યુનલોની જરૂરીયાત સૌરાષ્ટ્રવાસીઓને જણાતી હોય રાજકોટમાં આવી ટ્રીબ્યુનલો શરૂ કરવી જોઇએ.

સમગ્ર રાજયમાં એક જ જગ્યાએ ટ્રીબ્યુનલ આવેલ હોવાના કારણસર આખા રાજયનું કામ આ ટ્રીબ્યુનલ સમક્ષ આવે છે અને તેના કારણે ટ્રીબ્યુનલ પાસે કામનું ખુબ જ ભારણ રહે છે. જેના કારણે વિવાદનો નિર્ણય આવવામાં સમય લાગે છે. જેથી જો આવી ટ્રીબ્યુનલનું વિકેન્દ્રીકરણ કરી અન્ય જગ્યાએ પણ ટ્રીબ્યુનલની સ્થાપના કરવામાં આવે તો કામનું ભારણ ઘટે અને તેના કારણે ઝડપી ન્યાય પણ મળી રહે. આમ ટ્રીબ્યુનલ રાજકોટ ખાતે સ્થાપવાથીલોકોને ઝડપી ન્યાય પણ મળી શકે તેમ છે અને પેન્ડીંગ કેસોનું ભારણ ઓછું થાય તેમ છે.

જેથી ઉપર મુજબની અમારી માંગણી લક્ષમાં લઇ  ઉપર જણાવેલ  ટ્રીબ્યુનલો રાજકોટમાં સ્થાપવા અથવા તેમનું સીટીંગ રાજકોટમાં રાખવા યોગ્ય કાર્યવાહી કરવા બાર એસો. દ્વારા રજૂઆત કરવામાં આવીછે.

રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખશ્રી અનિલભાઇ દેસાઇ, ઉપપ્રમુખશ્રી બકુલભાઇ રાજાણી, સેક્રેટરી શ્રી દિલીપભાઇ જોષી, જો.સે.શ્રી રૂપરાજસિંહ પરમાર, ટ્રેઝરર  શ્રી અશ્વિનભાઇ ગોસાઇ, લાઇબ્રેરી સેક્રેટરી શ્રી જતીનભાઇ ઠક્કર, તથા કારોબારી સભ્ય શ્રી સંદીપભાઇ વેકરીયા, અજયભાઇ પીપળીયા, નીશાંતભાઇ જોષી, રોહીતભાઇ ઘીયા,  સંજયભાઇ જોષી, કે. સી. વ્યાસ, ગૌરાંગભાઇ માંકડ, એન્જલ સરધારા, મીનાક્ષીબેન ત્રિવેદીની સંયુકત યાદીમાં ઉપરોકત બાબત જણાવેલ છે. (પ-ર૩)

(2:44 pm IST)