દેશી દારૂના કટીંગ વખતે પોલીસ ત્રાટકીઃ બોલેરો અને રીક્ષા મુકી બુટલેગર ફરાર
રામઘણની પાછળ ઝુપડપટ્ટીમાં તાલુકા પોલીસનો દરોડોઃ ૧.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ તા.૧૩: રામધણની પાછળ ઝુપડ પટ્ટીમાં દેશી દારૂના કટીંગ વખતે તાલુકા પોલીસે ત્રાટકી બોલેરો અને રીક્ષા તથા આથો તથા દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જયારે બુટલેગરો નાસી જતા શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ તાલુકા પોલીસ મથકના એેએસઆઇ અજીતસિંહ જાડેજા તથા રાઇટર રીતેષભાઇ પટેલ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે રામધણની પાછળ ઝુપડામાં દારૂનું કટીંગ થતુ હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ઝુપડામાંથી આઠ લીટર દેશી દારૂ તથા ૯૦ લીટર આથો મળી આવ્યો હતો. દરોડો પાડતા બુટલેગરો ભાગી ગયા હતા. પોલીસે જીજે ૩ એઝેડ-૭૨૦૩ નંબરની બોલેરો અને નંબર વગરની રીક્ષા મળી રૂ.૧,૭૧,૯૬૦નો મુદ્દામાલ કબ્જેકરી તપાસ હાથ ધરી છે.
દેશી દારૂ સાથે બે શખ્સો પકડાયા
ભવાનીનગર શેરી નં.૨માં એડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ ઇન્દ્રસિંહ તથા હાર્દિકસિંહ દરોડો પાડી રૂ.૮૦ના દેશી દારૂ સાથે પ્રવિણ રત્નાભાઇ ચૌહાણ (ઉ.વ.૪૬)ને અને ગોંડલ રોડ શીતળાધાર મફતીયા પરામાં ભૈયાવાડી પાસે પાનની કેબીનમાંથી રૂ.૧૬૦ના દેશી દારૂ સાથે સુરજ ઉર્ફે સુરો જબરદાન કુંદડા (ઉ.વ.૨૧) (રહે.શીવધામ સોસાયટી શેરી નં.૨ કોઠારિયા રોડ)ને આજીડેમ પોલીસે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
ચુનારાવડ મકાનમાંથી દારૂની ૮ બોટલ જપ્ત
થોરાળામાં પોલીસ મથકના એએસ આઇ.ડી.કે.ડાંગર તથા નરસંગભાઇ મંઢ, નિશાંતભાઇ તથા મહેશભાઇ મંઢ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે ચૂનારાવાડ શેરી નં.૭માં રહેતો રાકેશ રમેશભાઇ વીરમગામાના મકાનમાં દરોડો પાડી રૂ.૪૫૦૦ની કિંમતની દારૂની ૮ બોટલ મળી આવતા પોલીસે દારૂની બોટલ કબ્જે કરી રાકેશ વીરમગામની શોધખોળ આદરી છે.(૧૭.૫)