રાજકોટ
News of Wednesday, 13th June 2018

જિલ્લા પંચાયતના પ્રમુખ પસંદ કરવા કોંગ્રેસ સભ્યોના મન જાણશે, મેયર નક્કી કરવા ભાજપ સભ્યોને નહિ પૂછે

રાજકોટ, તા. ૧૩ :. શહેરના નવા મેયર-ડે. મેયરની ચૂંટણી તા. ૧૫મીએ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી તા. ૨૦મીએ છે. એક જ અઠવાડિયામાં શહેર અને જિલ્લાના પ્રથમ નાગરિકના પદ પર ફેરફાર આવી રહ્યા છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. કોંગ્રેસે ચૂંટાયેલા સભ્યોના મન જાણવા માટે તા. ૧૫મીએ સેન્સ લેવાનું નક્કી કર્યુ છે. મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. ભાજપે મેયર, ડે. મેયર નક્કી કરવા માટે કોર્પોરેટરોની ઈચ્છા જાણવાનું જરૂરી ગણ્યુ નથી. ભાજપ નવા સુકાનીઓના નામ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય મુજબ સીધા જાહેર કરશે.

સેન્સ મુજબ જ નિર્ણય થાય તેવુ દર વખતે થતુ નથી. ભાજપ-કોંગ્રેસમાં સેન્સ માત્ર 'નાટક' પુરવાર થયાના અનેક દાખલા છે. સેન્સથી વિપરીત નિર્ણય આવતા હોવાના શ્રેણીબદ્ધ ઉદાહરણો છે છતા સેન્સ પ્રક્રિયા એ આંતરીક લોકશાહીની નિશાની છે. પંચાયત અને કોર્પોરેશનમાં ચૂંટાયેલા સભ્યો પ્રમુખ-મેયર ચૂંટવાના હક્કદાર છે. ભાજપે એની પરંપરા મુજબની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પસંદગીની પદ્ધતિ યથાવત રાખી છે. મેયર નક્કી કરવામાં ચૂંટાયેલા સભ્યોની સેન્સને કોઈ સ્થાન નથી.

(12:45 pm IST)