યાર્ડ પાસેથી અનિલ દેવીપૂજકનું અપહરણ કરી સામા કાંઠે ડેલામાં પુરી બેફામ ધોલધપાટ
નાના ભાઇ અજયને વિપુલ દેવીપૂજક ટીબીનો દર્દી કહી પજવતાં તેને ઠપકો આપતાં ખાર રાખી વિપુલ સહિતનાએ રિક્ષામાં ઉઠાવી જઇ ધોકાવ્યોઃ હદના લોચાને લીધે ચાર-ચાર પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવવી પડી
રાજકોટ તા. ૧૩: માર્કેટ યાર્ડ પાછળ રહેતાં દેવીપૂજક યુવાનને તેના નાના ભાઇને થયેલી માથાકુટને કારણે ચાર દેવીપૂજક શખ્સોએ યાર્ડ નજીકના ખટારા સ્ટેન્ડ પાસેથી રિક્ષામાં નાંખી સામા કાંઠે ભંગારના ડેલામાં લઇ જઇ પુરીને ધોકાથી માર મારવામાં આવતાં હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ ખરેખર કયાં બન્યો તે પ્રથમ તબક્કે નક્કી ન થતાં જુદા-જુદા ચાર પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી નોંધાવાઇ હતી.
જાણવા મળ્યા મુજબ યાર્ડ પાછળ કવાભાઇની ઓરડીમાં રહેતાં અને યાર્ડ પાસે ટ્રકમાં માલ ચડાવવા ઉતારવાની મજૂરી કરતાં અનિલ ધીરૂભાઇ પરમાર (ઉ.૨૩)ને ગઇકાલે બપોરે અઢી વાગ્યે યાર્ડ પાસે હતો ત્યારે ત્યાંથી વિપુલ સગ્રામભાઇ દેવીપૂજક, તેનો ભાઇ જનક દેવીપૂજક, મુન્નો ભંગારવાળો તથા અન્ય એક શખ્સ મળી રિક્ષામાં નાંખી ચાલુ રિક્ષાએ મારતાં-મારતાં સંત કબીર રોડ પર મુન્નાના ડેલે લઇ ગયા હતાં અને ત્યાં ધોકાથી માર મારતાં હાથે-પગે ઇજા થઇ હતી.
તેને સારવાર માટે દાખલ કરવામાં આવતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. પણ બાદમાં મોચી બજાર જુના ખટારા સ્ટેન્ડ પાસે માથાકુટ થયાનું કહેવાતાં એ-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. બાદમાં બી-ડિવીઝનને એન્ટ્રી નોંધાવાઇ હતી અને છેલ્લે યાર્ડ પાસેના ખટારા સ્ટેન્ડ પાસે ડખ્ખો થયાનું સ્પષ્ટ થતાં છેલ્લે આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.
અનિલના કહેવા મુજબ મારા નાના ભાઇ અજયને ગઇકાલે વિપુલે 'જો ટીબીનો દર્દી આવ્યો...' તેમ કહેતાં અજયએ વિપુલને લાફો મારી દેતાં ઝઘડો થયો હતો. તેમાં પોતે વચ્ચે પડ્યો હોઇ તેનો ખાર રાખી મને ઉપાડી જઇ બેફામ માર માર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.