રાજકોટ
News of Wednesday, 13th June 2018

જીઈબીમાં શરમજનક ઘટનાઃ યુનિયન અગ્રણી અને અધિકારી વડોદરીયા તથા બે ચાવડા બંધુ વચ્ચે બઘડાટી

મારામારી થયાની ચર્ચાઃ અધિક્ષક ઈજનેર પાલા ના પાડે છેઃ હાલ લેવાતા નિવેદનોઃ એકથી બે દિ'માં રીપોર્ટ કરાશે : વડોદરીયાની તોળાતી બદલીઓઃ અર્ધો ડઝનથી વધુ કર્મચારીઓએ તેમના વિરૂદ્ધ નિવેદનો આપ્યા : બહારથી ૫ થી ૬ શખ્સો આવ્યાની અને ગાળોની રમઝટ બોલ્યાની ચર્ચાઃ સ્ટાફમાં મચી ગયેલો દેકારો

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ વીજતંત્રમાં શરમજનક ઘટના બની ગઈ છે. સ્ટાફ રીતસર ડરી ગયાનું અને ચીફ ઈજનેર શ્રી ગાંધી તથા એમ.ડી. શ્રી ભાવિન પંડયા સુધી વાતો પહોંચી હોય જવાબદારો સામે કડક પગલા તોળાઈ રહ્યા છે.

સાધનોના ઉમેર્યા પ્રમાણે, થોડા દિ' પહેલા જૂના પાવર હાઉસ ખાતે યુનિયન અગ્રણી અને ડેપ્યુટી સુપ્રિમન્ટેન્ડન્ટ વડોદરીયા તથા વીજ તંત્રમાં ફરજ બજાવતા બે ચાવડા બંધુ વચ્ચે શાબ્દિક ટપાટપી - કહેવાતી બઘડાટી બોલી ગઈ હતી. 

આ ઘટના સંદર્ભે અધિક્ષક ઈજનેર શ્રી પાલાએ નિવેદનો લેવાનું શરૂ કર્યુ છે. મારામારી થયાની ચર્ચા ઉપડી છે. બહારથી ૫ થી ૬ શખ્સો આવ્યાની અને લેડીઝ સ્ટાફની હાજરીમાં ગાળોની રમઝટ બોલી ગયાની ભારે ચર્ચા ઉપડી છે. દરમિયાન અધિક્ષક ઈજનેરશ્રી પાલાએ મારામારી કે ગાળો બોલાયાની ઘટના બની નહી હોવાનું 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું, તેમણે ઉમેર્યુ હતુ કે હાલ હું સ્ટાફના નિવેદન લઈ રહ્યો છું અને બે થી ત્રણ દિવસમાં એમડીને ઓનપેપર હું રીપોર્ટ કરી દઈશ. દરમિયાન ટોચના સૂત્રો ઉમેરી રહ્યા છે કે, ૬ થી ૮ કર્મચારીઓએ વડોદરીયા વિરૂદ્ધ નિવેદનો આપ્યા છે. વડોદરીયાની બદલી તોળાઈ રહી છે. રીપોર્ટ બાદ એમડી શું પગલા ભરે તેના ઉપર મીટ છે, હાલ તો સ્ટાફમાં ખાસ કરીને લેડીઝ સ્ટાફમાં ભારે ગભરાટ છે, દેકારો-રોષ પણ મચી ગયા છે, ચારેકોર ચર્ચા ચાલી રહી છે.

(3:47 pm IST)