રાજકોટ
News of Friday, 13th May 2022

સૂરાંજલિ... ‘પ્રિતમ આન મિલો' પરમ મિત્ર સ્‍વ.સનત દવેને મહેશ યાજ્ઞિકની શ્રધ્‍ધાંજલિ

રાજકોટનાં સુવિખ્‍યાત ગાયક અનવરભાઈ હાજી અને સહગાયકો સાથે સંગીતકાર શૈલેષ પંડયાની સુમધુર રજૂઆત

રાજકોટઃ ગોલ્‍ડન એરાના હિન્‍દી ફિલ્‍મોના સફળ સંગીતકાર ઓ.પી.નય્‍યરે એક સમયે સાંગીતિક જાહોજલાલી ભોગવી હતી. આ સંગીતકાર જોડે રાજકોટનાં સંગીત ચાહક સનતભાઈ દવેને આત્‍મિક સંબંધો હતા. તેઓ નય્‍યર સાહેબને મળવા વારંવાર મુંબઈ જતા હતા. સનતભાઈએ રાજકોટમાં ‘ઓ.પી.નય્‍યર ફેન' કલબની સ્‍થાપના કરી હતી અને કેટલાંક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ ઉપરાંત ‘રિધમ કિંગ ઓ.પી.નય્‍યર' શિર્ષકથી એક માહિતી સભર પુસ્‍તક પણ લખ્‍યું હતું.
કોરોનાકાળ દરમિયાન સનતભાઈ  દવેનું નિધન થયું. તેમની સ્‍મૃતિમાં તેમના પરમ મિત્ર મહેશભાઈ યાજ્ઞિકે ‘સૂરાંજલી' ‘પ્રિતમ આન મિલો' નામક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આવી સાંગીતિક શ્રધ્‍ધાંજલીને રાજકોટનાં ગાયક અને વાદક કલાકારોનો સહકાર મળ્‍યો.
ગત તા.૬ મેના રોજ રાજકોટનાં અરવિંદભાઈ મણીયાર હોલમાં આ કાર્યક્રમ યોજાયો. રાજકોટનાં ગૌરવસમા શા.સંગીતનાં શિક્ષક અને ઉત્તમ ગાયક અનવરભાઈ હાજીએ આ કાર્યક્રમમાં રફીનાં ગીતો રજૂ કરીને ચારચાંદ લગાવી દીધાં. અમરેલીનાં સિનિયર ગાયક સિકંદર ખાન પઠાણ, રાજકોટનાં સુવિખ્‍યાત ગાયક ધનંજય વ્‍યાસ પણ સંગાથે જોડાયા હતા. જુની ફિલ્‍મના સંગીતનાં ચાહક અને ગાયક નરેન્‍દ્રસિંહ ગોહિલ પણ કેટલાકગીતો રજૂ કર્યા. ઉપરાંત માઉથ ઓરગન ઉપર વિનોદભાઈ વ્‍યાસ સંગાથે એક ગીત વગાડીને શ્રધ્‍ધાંજલિને વિશીષ્‍ટ આયામ આપ્‍યો. રાજકોટનાં તાલીમબધ્‍ધ ગાયીકાઓ તૃપ્‍તિબેન દવે, પૂજાબેન દવે તથા જામનગરનાં રશ્‍મિબેન મિશ્રાએ સુંદર ગાયીકિ પ્રસ્‍તુત કરી હતી.
સુવિખ્‍યાત કિબોર્ડ વાદક અને ગાયક શૈલેષભાઈ પંડયાએ સાથી વાદક મિત્રો ભાર્ગવ જાની, નિલેષ પાઠક, પંકજ મકવાણા, રોબર્ટસન તથા સચિન શર્મા સાથે સંગીતકાર ઓ.પી.નય્‍યરનાં યુગને જીવંત કરી દીધો હતો. આ તકે ઓ.પી.નય્‍યરનાં જુના અને મધુરાં ગીતોનાં મુખડાને મોતીની માળારૂપે પરોવીને એક ટાઈટલ મ્‍યુઝિક, કિબોર્ડ વિઝાર્ડ શૈલેષ પંડયાએ તૈયાર કરીને પ્રસ્‍તુત કર્યું. આ અનોખા પ્રયોગને લોકોને ઉત્‍સાહથી વધાવ્‍યો હતો.
પ્રારંભે દિપ પ્રાગટયમાં ડો.ભરતભાઈ કાનાબાર (અમરેલી), ઉપેન્‍દ્રભાઈ મહેતા (વાંકાનેર), ભગવાનભાઈ થાવરાણી (લેખક), કયુમભાઈ અઝીઝ (સંગીતજ્ઞ) તથા બાદલભાઈ દવે સંગાથે મહેશભાઈ યાજ્ઞિક જોડાયા હતા.
આ કાર્યક્રમમાં આયોજન થયાનાં માત્ર બે દિવસ પૂર્વે આયોજન મહેશભાઈ યાજ્ઞિકનાં માતુશ્રીનું નિધન થયું. ઘણાં મનોમંથન પછી કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. મહેશભાઈએ કહ્યું, ‘‘શો મસ્‍ટ ગો ઓન''. ઘડપણનાં દિવસો દરમિયાન માતાજી અનેકવાર ‘ચલ અકેલા ચલ અકેલા' ગીત સાંભળવા ઈચ્‍છા કરતા હતાં. સ્‍વર્ગસ્‍થ મા ને શ્રધ્‍ધાંજલિ અને પરમમિત્ર સનત દવેને શ્રધ્‍ધાંસુમન આપવા માટે ‘ચલ અકેલા'ગીત અનોખા અંદાઝથી રજૂ કર્યું અને એ ગીતનું સમાપન ‘જનનીની જોડ સખી નહિં જડે રેલોલ' જેવા ઉદાસીના ભાવ સભર ગીતથી કરવામાં આવ્‍યું. મહેશભાઈ યાજ્ઞિકે પોતાનાં મિત્રને ‘હમકો તુમ્‍હારે ઈશ્‍કને કયા કયા બના દીયા' ગીત અશ્રુભરી આંખે સમિર્પતᅠકર્યું.
આ કાર્યક્રમમાં નય્‍યર સાહેબનાં સ્‍વરાંકિત ગીતો જ લેવામાં આવ્‍યાં હતાં. મહમ્‍મદ રફિ, મહેન્‍દ્ર કપૂર, મન્‍ના ડે, કિશોર કુમાર તથા સી.એચ.આત્‍મા ઉપરાંત આશાજી ગીતા દત્તનાં ગીતો પસંદ કરવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન જયંત જોશીએ સંભાળ્‍યું હતું. ધ્‍વની વ્‍યવસ્‍થા રાજુભાઈ સાગઠીયાએ સંભાળી હતી. જયારે મંચ વ્‍યવસ્‍થા નુતનભાઈ ભટ્ટ અને રણજીતભાઈ પઢીયારે સંભાળી હતી

 

(2:49 pm IST)