રાજકોટ
News of Thursday, 13th May 2021

આઠ પહેલા ઘરે પહોંચી જવા તાકીદઃ એક જ રાતમાં કર્ફયુ ભંગના ૧૬૭ કેસઃ કોટેચા ચોકમાં ડીસીપી – એસીપી - બે પીઆઇની ટીમોનું આકરું ચેકીંગઃ દંડ

આંશિક લોકડાઉન અને કર્ફયુમાં રાહત આપવાની વેપારીઓની માંગણી વચ્ચે પોલીસ વધુ કડક બની : ડીસીપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં કાર્યવાહી થઇઃ ૧૮મી સુધી પોલીસ ગમે ત્યારે આ રીતે ચેકીંગ ડ્રાઇવ ગોઠવશેઃ કોરોનાનું સંક્રમણ ઘટાડવા લોકોને કર્ફયુ સહિતના નિયમોનું પાલન કરવામાં સહકાર આપવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો વધુ એક વખત અનુરોધ

રાજકોટઃ શહેરમાં વધુ એક વખત કર્ફયુની મુદ્દતમાં અને દિવસના મીની લોકડાઉનની મુદ્દતમાં વધારો કરી ૧૮મી સુધી અમલી બનાવવામાં આવતાં પોલીસ વધુ કડક બની સરકારની માર્ગદર્ર્શિકાનું પાલન કરાવવા મેદાને ઉતરી છે. આંશિક લોકડાઉન દૂર થઇ જશે તેવી વાતો પરમ દિવસથી જ ખુબ ચગી હતી. વેપારીઓએ પણ રાત્રી કર્ફયુ હળવો કરવા અને આંશિક લોકડાઉનમાં રાહત આપવા માંગણી કરી હતી. પરંતુ લોકડાઉન અને કર્ફયુની મુદ્દત લંબાવી દેવામાં આવતાં જ પોલીસે રોજીંદી જાહેરનામા ભંગની કાર્યવાહીને વધુ કડક બનાવી છે. ગત રાતે એક જ કલાકની અંદર કોટેચા ચોકમાં પોલીસે કર્ફયુ ભંગના બાવન કેસ કર્યા હતાં અને ત્રીસ વાહનો ડિટેઇન કર્યા હતાં. આ કામગીરીમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, પીઆઇ કે. એ. વાળા, પીઆઇ કે. એન. ભુકણ તેમજ બીજો સ્ટાફ સામેલ થયો હતો. રાતે આઠ વાગ્યે કર્ફયુ ચાલુ થયો એ પછી સવા આઠથી સવા નવ સુધીમાં એટલે કે એક જ કલાકમાં કર્ફયુ ભંગ બદલ બાવન લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્રીસ વાહનો ડિટેઇન કરાયા હતાં. આગામી ૧૮મી સુધી પોલીસ દરરોજ ઓચીંતી આ રીતે ગમે ત્યાં ડ્રાઇવ ગોઠવી નવા આદેશનો કડક અમલ કરાવશે. શહેરભરમાં કર્ફયુ ભંગના ૧૬૭ કેસ એક જ રાતમાં નોંધાયા છે. માસ્ક વગરના ૧૮ લોકો પણ ઝપટે ચડ્યા હતાં. તેમજ કર્ફયુ ચાલુ થઇ ગયા પછી પણ દૂકાનો ખુલી રાખનારા ૧૦ વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણુકમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને તમામ એસીપીશ્રીઓની રાહબરીમાં તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર્સ અને તેમની ટીમો સતત લોકડાઉન અને કર્ફયુનો કડક અમલ કરાવે છે. દરરોજ આ પ્રકારના કેસ પણ નોંધવામાં આવે છે. ગત રાતના આઠથી આજ સવાર સુધીમાં સમગ્ર શહેરમાં કર્ફયુ ભંગના ૨૩૨ કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમજ દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ અને ડીસીપીશ્રી મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે રાત્રી કર્ફયુનો લોકોએ ફરજીયાત કડક અમલ કરવાનો રહેશે. તમે અગત્યના કામ સિવાય સાચા કારણ સિવાય બહાર નીકળશો તો કાર્યવાહી થશે જ. આવશ્યક સેવા સાથે તમારી દૂકાન જોડાયેલી હોય તો તમે સાંજે સાડા સાતે અથવા તો આઠ પહેલા તમે કયારે ઘરે પહોંચી શકો છો એ સમયે તમારે દૂકાન બંધ કરી નીકળી જવું જરૂરી છે.

કોટેચા ચોકમાં એકાદ કલાકથી વધુ સમય સુધી ડીસીપી, એસીપી અને ટીમોએ સતત કડક ચેકીંગ કર્યુ હતું. જેમાં લોકોએ અલગ અલગ બહાનાઓ બતાવ્યા હતાં. એક મહિલાએ પોતે કેક શોપ બંધ કરીને આવતાં હોવાનું કહ્યું હતું, અમુક લોકો બાળકો સાથે આટો મારવા નીકળ્યા હોવાનું કહેવાયું હતું તો અમુક અલગ અલગ કામેથી નીકળ્યાનું જણાવ્યું હતું. જેમાં પણ પોલીસને કારણ સાચા જણાયા નહોતાં તેમાં ગુનો નોંધવાની અથવા દંડ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. એક પોલીસમેન પણ પોણા નવે નીકળતાં તેને પણ ડીસીપીશ્રી જાડેજાએ અટકાવી પુછપરછ કરી હતી અને નોકરી પુરી થતાં જ સમયસર ઘરે પહોંચી જવા તાકીદ કરી હતી. એક કારમાં કાળા કાચ હોઇ તેબાબતે ચાલકે એવો ખુલાસો કર્યો હતો કે તેના માતાને ચામડીની તકલીફ હોઇ તડકો બહારથી બહુ આવતો હોવાથી કાચ પર કાળી ફિલ્મો લગાવી છે. પોલીસે આવુ કારણ માન્ય ન રાખી કાળી ફિલ્મો દૂર કરાવી હતી અને દંડ કર્યો હતો. તસ્વીરોમાં ડીસીપીશ્રી મનોહરસિંહ જાડેજા, એસીપીશ્રી પી. કે. દિયોરા, પીઆઇ કે. એ. વાળા, કે. એન. ભુકણ અને સ્ટાફની કાર્યવાહીના દ્રશ્યો અને લોકો દલિલો કરતાં જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(12:57 pm IST)