રાજકોટ
News of Thursday, 13th May 2021

રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટી ભાગતા ફરતા શખ્સનું કણકોટ પાસે ત્રીજા માળેથી પટકાતાં મોત

મુળ સુરેન્દ્રનગરના હિતેષ સોલંકીને ત્રણ વર્ષની સજા પડી હોઇ રાજકોટ જેલમાં હતોઃ અહિથી પેરોલ જમ્પ કરી હતી

રાજકોટ તા. ૧૩: સુરેન્દ્રનગરનો રહેવાસી અને રાજકોટ જેલમાં સજા કાપી રહેલો રહેલો અને જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ હાજર ન થઇ ભાગતો ફરતો શખ્સ કાલાવડ રોડ પર કણકોટ નજીક નવા બની રહેલા બિલ્ડીંગની સાઇટ પર મજૂરી કરતો હોઇ અહિ ત્રીજા માળેથી અકસ્માતે પડી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ પર કણકોટ વૃક્ષ મંદિર સામેની શેરીમાં બ્રાહ્મણ બોર્ડિંગ સામે નવુ બિલ્ડીંગ બની રહ્યું હોઇ ત્યાં મજૂરી કરતો એક યુવાન ત્રીજા માળેથી પડી જતાં મોત નિપજ્યું હતું. ૧૦૮ના ઇએમટી મારફત જાણ થતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ પીએસઆઇ એચ. બી. ગઢવીએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં હેડકોન્સ. સાજીદભાઇ ખિરાણીએ ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનારનું નામ હિતેષ રામજીભાઇ સોલંકી (ઉ.વ.૩૭) હોવાનું અને હાલ તે જ્યાંથી પડી ગયો એ બિલ્ડીંગની સાઇટ પર જ રહેતો હોવાનું ખુલ્યું હતું. વધુ માહિતી મુજબ તે સુરેન્દ્રનગરના એક ગુનામાં પકડાયા બાદ કેસ ચાલી જતાં ત્રણ વર્ષની સજા પડી હતી. સજા બાદ જેલ ટ્રાન્સફર કરી રાજકોટ જેલમાં મોકલાયો હતો. અહિથી તે પેરોલ પર છુટ્યા બાદ હાજર થયો નહોતો અને ઓળખ છુપાવી રાજકોટમાં જ મજૂરી કરતો હતો. હાલમાં તે નવા બિલ્ડીંગની સાઇટ પર મજૂરીએ રહ્યો હતો. અહિ અકસ્માતે પડી ગયાનું હાલ બહાર આવ્યું છે. મૃતકને સંતાનમાં એક પુત્રી છે.

પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

(11:00 am IST)