રાજકોટ
News of Monday, 13th May 2019

અઢાર જેટલા ફાયનાન્સરોને ત્યાં ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ૧૧ ટીમોના દરોડા

રાજકોટ તા. ૧૩: શહેરમાં આજે અચાનક જ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ૧૧ જેટલી ટીમોએ ઠેર-ઠેર ફાયનાન્સરોની ઓફિસમાં દરોડા પાડી તપાસ કરતાં ફફડાટ ફેલાયો હતો. અગાઉ અમુક ફાયનાન્સરો સામે મનીલેન્ડ એકટ હેઠળ ગુના નોંધાયા હોઇ હાલમાં ફરી આવી પ્રવૃતિઓ માથુ ઉંચકી રહ્યાની ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળેલી અમુક ફરિયાદોને પગલે આ દરોડા પાડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. જો કે હાલ એકપણ ફાયનાન્સરને ત્યાં કોઇ વાંધાજનક પ્રવૃતિ સામે આવી નથી.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના અમુક ફાયનાન્સરો વિરૂધ્ધ ફરિયાદો આવી હોઇ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની અને ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના હેઠળ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ૧૧ ટીમો બનાવી પીઆઇ એચ. એમ. ગઢવી અને પી.આઇ. આર.વાય. રાવલની રાહબરીમાં શહેરમાં ઠેકઠેકાણે ઓફિસો ધરાવતાં ફાયનાન્સરોને ત્યાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. અઢાર જેટલા ફાયનાન્સરોની ઓફિસમાં તપાસ થઇ હતી. ધીરધારના લાયસન્સ ધરાવે છે કે નહિ? તે સહિતના મુદ્દે તપાસ થઇ હતી. જો કે હાલ કોઇ વાંધાજનક પ્રવૃતિ સામે આવી નથી.

(4:27 pm IST)