રાજકોટ
News of Monday, 13th May 2019

બ્રહ્મસમાજ હંમેશા રાષ્ટ્રવાદ સાથે જોડાયેલોઃ રાજેન્દ્રભાઈ ત્રિવેદી

સમાજના ઉત્થાન માટે સામુહીક ચિંતન, સંગઠનાત્મકના કાર્યક્રમો આવશ્યકઃ અભયભાઈ ભારદ્વાજ

રાજકોટઃ સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના રાજકોટ જિલ્લાના પ્રમુખ પંકજ રાવલની આગેવાની હેઠળ તેમજ સૌરાષ્ટ્ર- કચ્છ બ્રહ્મસમાજના માર્ગદર્શક અભયભાઈ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પરશુરામ ગ્રુપ દ્વારા બ્રહ્માસમાજના ઉત્થાન માટે હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા બ્રહ્મત્વ એક ચિંતન વિષય પર બ્રહ્મઅગ્રણી અભયભાઈ ભારદ્વાજ, શહેરના મેયર બીનાબેન આચાર્ય, પંકજભાઈ ભટ્ટ, અલ્કાબેન ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, દિલીપભાઈ પટેલ સહીતનાની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની વ્યવસ્થા નીરંજન દવે, સમીર ખીરા, શૈલેષ જાની, સતીષ રાવલ, દીપક ભટ્ટ સહીતના અગ્રણીઓએ સંભાળી હતી.

આ તકે ગુજરાત રાજય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બ્રાહ્મણો પુરાતન કાળથી સનાતન ધર્મનું પાલન કરતા આવ્યા છે જેમ કે વેદનો અભ્યાસ કરવો, ધર્મનું પાલન કરવું અને ધર્મ માર્ગ ચીંધવો, વેદોકત કર્મકાંડ કરવું, વેદની વિવિધ શાખા, જયોતીષશાસ્ત્ર, યોગ, સંગીત, ભૌતિક શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, નૃત્ય અને અર્થશાસ્ત્રનું જ્ઞાન પ્રદાન કરવું. પ્રાચીનકાળથી જ બ્રાહ્મણોએ વર્ણવ્યવસ્થા અનુસાર વેદાભ્યાસ, કર્મકાંડ, શિક્ષણ જેવા વ્યવસાય અપનાવ્યા હતા. જયારે વર્તમાન સમયમાં બ્રાહ્મણોએ તેમના પરંપરાગત વ્યવસાય ઉપરાંત બીજા આધુનિક વ્યવસાય પણ અપનાવ્યા છે. ત્યારે બ્રાહ્મણ હંમેશા રાષ્ટ્રવાદથી જોડાયેલો રહ્યો છે.

આ તકે અભયભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે બ્રહ્મસમાજ હંમેશા સુશિક્ષિત હોવાથી દરેકને જ્ઞાનની વહેંચણી અને સમાન હકક તથા તકનો હિમાયતી રહ્યો છે. બ્રાહ્મણ સમાજ હજુ સંયુકત કુટુંબ પ્રથામાં માને છે. તેમજ દીકરીને ભણતરમાં તેમજ સમાજમાં દીકરા સમાન દરજજો આપવામાં આવે છે. દીકરાને કિશોરવસ્થા પ્રાપ્ત કરતા યજ્ઞોપવિત્ર સંસ્કાર આપવામાં આવે છે. આ યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા કિશોરને વેદનું જ્ઞાન મેળવવાના હકક અપાતા હોવાનું જણાવ્યું હતું.

પરશુરામ ગ્રુપ દ્વારા આવનાર સમયમાં અનેકવિધ કાર્યક્રમો આપવામાં આવશે અને વોર્ડવાઈઝ સંગઠનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બ્રહ્મયુવાનોને આ કાર્યક્રમોમાં જોડાવા પંકજ રાવલનો મો.૯૮૨૫૪ ૨૪૪૨૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)