રાજકોટ
News of Monday, 13th May 2019

અંબિકા ટાઉનશીપ પાસે વૃધ્ધાનો ચેઇન ખેંચાયો, પતિએ બાઇક પકડી લેતાં ચિલઝડપકારે ધક્કો મારી પછાડી દીધા

રવિવારે બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઇઃ જો કે પોલીસ ફરિયાદ કરવાનું ટાળી દેવાયું: બે ચિલઝડપકાર ભાગી ગયા

રાજકોટ તા. ૧૩: શહેરના અંબિકા ટાઉનશીપ પાસે રવિવારે સવારે ચિલઝડપની એક ઘટના બની હતી. જેમાં પતિ સાથે વોકિંગમાં નીકળેલા એક વૃધ્ધાના ગળામાંથી બાઇક પર આવેલા બે શખ્સે ચિલઝડપ કરી હતી. પતિએ હિમ્મત દાખવી બાઇકને પકડી લેતાં પાછળ બેઠેલા ચિલઝડપકારે તેમને ધક્કો મારી પછાડી દીધા હતાં અને બાદમાં બંને બાઇકમાં ભાગી છૂટ્યા હતાં. જો કે કોઇપણ કારણોસર આ બનાવમાં પોલીસ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે સવારે અંબિકા ટાઉનશીપ પાસે વૃધ્ધ દંપતિ વોકિંગ કરવા નીકળ્યું હતું. આ વખતે તક જોઇ બાઇક પર બે શખ્સ આવ્યા હતાં અને વૃધ્ધાના ગળામાંથી સોનાનો ચેઇન ખેંચી લીધો હતો. ઘટના બનતા દેકારો મચી ગયો હતો. વૃધ્ધે દોટ મુકી પત્નિનો ચેઇન ખેંચનાર  શખ્સના બાઇકને પાછળથી પકડી લીધું હતું.  આ વખતે પાછળ બેઠેલા શખ્સે આ વૃધ્ધને જોરદાર ધક્કો મારી પછાડી દીધા હતાં અને બાદમાં બંને ભાગી ગયા હતાં.

વૃધ્ધ જોરદાર ધક્કાથી પડી જતાં માથામાં તમ્મર ચડી જતાં દોઢેક કલાકે ભાનમાં આવ્યા હતાં. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વહેતા થયા છે. પરંતુ કોઇપણ કારણોસર પોલીસને જાણ કરવામાં આવી નથી. અંબિકા ટાઉનશીપમાં આ ઘટનાને ભારે ચર્ચા જગાવી છે. રવિવારે રજાનો માહોલ હોઇ અને વૃધ્ધ દંપતિ એકલુ હોઇ ચિલઝડપકારો કસબ અજમાવી ગયા હતાં.

(3:25 pm IST)