રાજકોટ
News of Monday, 13th May 2019

પેરોલ પર છુટયા બાદ ફરાર ખુનના આરોપીએ વિરપુર પાસે પોલીસ પર હુમલો કર્યોઃ ધરપકડ

રાજકોટ, તા., ૧૩: પેરોલ પર છુટયા બાદ ફરાર ખુનના આરોપીએ વિરપુરમાં તેને પકડવા આવેેલ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ પર હુમલો કર્યો હતો. જો કે પોલીસે તેને દબોચી લીધો હતો. આ અંગે  આરોપી સામે પોલીસમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર બી ડીવીઝન પોલીસ મથકના ખુનના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતો અને હાલમાં હાઇકોર્ટના હુકમ અન્વયે વચગાળાના શરતી જામીન પર છુટયા બાદ રાજકોટ જેલમાં હાજર ન થયેલ વોન્ટેડ આરોપી અજય ઉર્ફે વજો બાબુભાઇ ગોહેલ વિરપુરમાં તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એન.વી. હરીયાણી તથા સ્ટાફે છાપો મારતા આરોપી અજય ઘરની અગાસી પરથી કુદકો મારી નાસવા લાગેલ અને તેનો પોલીસે પીછો કરતા પીએસઆઇ એન.વી.હરીયાણી પર ઇંટનો ઘા કરેલ અને તેની સાથેના હેડ કોન્સ્ટેબલ વીરરાજ ધાંધલ પર લાકડીથી હુમલો કર્યો હતો. જો કે પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે તેના પર હુમલો થયો છતા આરોપી અજયને દબોચી લીધો હતો.

આ અંગે પીએસઆઇ એન.વી. હરીયાણીએ આરોપી અજય ગોહેલ સામે આઇપીસી કલમ ૩૩ર, ર૯૪(ખ), પ૦૬(ર), સહીતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો.

(3:25 pm IST)