રાજકોટ
News of Monday, 13th May 2019

કસ્તુરબા જુથ સહકારી મંડળીના ઉચાપતના કેસમાંથી નિર્દોષ છુટેલ આરોપી સામેની અપીલ રદ

રાજકોટ તા ૧૩ :  કસ્તુરબાધામ (ત્રંબા) જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીમાંથી ઉચાપત કરવાના ગુનામાં પકડાયેલ આરોપીનો નીચેની કોર્ટે નિર્દોષ છુટકારો ફરમાવતા તે હુકમ સામે સરકાર પક્ષે કરેલ અપીલને સેસન્શ કોર્ટે ફગાવી દીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે,કસ્તુરબા (ત્રંબા) માં આવેલ કસ્તુરબા જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. માં ફરજ બજાવતા  સ્ટોરકીપર/ ચોકીદાર ભીમજીભાઇ આણાભાઇ કોળી વિરૂધ્ધ રૂા ૪,૬૮૫-૭૨ પૈસાની ઉચાપત તા. ૦૧/૦૭/૧૯૮૧ થી તા ૩૧/૧૨/૧૯૮૫ દરમ્યાન કોઇપણ સમયે કરેલ હોવા અંગેનો ઓડીટ રીપોર્ટ કરવામાંઆવેલ અને આ ઓડીટ રીપોર્ટના આધારે રાજકોટ જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળી) ના હુકમ અન્વયે ફરિયાદી પ્રવિણચંદ્ર વશરામભાઇ જેઠવા એ ભારતીય દંડ સંહિતા ની કલમ ૪૦૮, તથા ૪૭૭-એ અન્વયે સને ૧૯૮૬ માં ફરિયાદ દાખલ કરેલ, જે અનુંસંધાને જવાબદાર પોલીસ અધિકારીએ તપાસ કરી, આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા હોવાથી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ, જે કેસમાં  સંપૂર્ણપણે પુરાવો લીધા બાદ, આરોપી ભીમજીભાઇ આણાભાઇના વિદ્વાન વકીલશ્રી હર્ષદકુમાર એસ. માણેકે કરેલ સંપૂર્ણ દલીલો ધ્યાને લઇ, ફરિયાદપક્ષ ઉચાપત અંગેનો કેસ સાબિત કરી શકેલ નહી, તેવી તમામ રજુઆતો ધ્યાને લઇ, નીચેની કોર્ટે આરોપીનો નિર્દોષ છુટકારો સને ૨૦૧૬ માં (૩૨ વર્ષ બાદ) ફરમાવેલ હતો.

સદરહુ આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવેલ તે હુકમ સામે આરોપીને સજા કરાવવા માટે ગુજરાત રાજય (સરકારે) રાજકોટની સેશન્સ કોર્ટમાં ફોજદારી અપીલ દાખલ કરેલ હતી.

આસી. સેશન્સ જજશ્રી  પૂર્વીબેન એન. દવે-મેડમે હુકમ ફરમાવી નીચેની કોર્ટનો હુકમ માન્ય રાખી, એટલે કે આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવેલ છે, તે યોગ્ય છે, બરાબર છે, ન્યાયીક છે, જેથી તેમાં હસ્તક્ષેપ કરવો જરૂરી જણાતો નથી, તેમ ઠરાવી શ્રી સરકારશ્રીની અપીલ રદ (ડીસમીસ) કરેલ છે.

આ કામમાં આરોપી ભીમજીભાઇ આણાભાઇ કોળી, રહે. કસ્તુરબાધામ (ત્રંબા) તરફે નીચેની કોર્ટમાં તથા આ હાલની અપીલમાં રાજકોટના વિદ્વાન સીનીયર ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ. માણેક, સોનલબેન બી. ગોંડલીયા, તથા જાગૃતિબેન કેલૈયા રોકાયેલા છે.

(3:23 pm IST)