રાજકોટ
News of Tuesday, 13th April 2021

સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરનાર વેપારીની ત્રણ દિવસ સુધી દુકાન સીલ કરાઇ : કુલ ૮૦ કેસ

માસ્ક ન પહેરનારા ૬, કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર નીકળનારા ત્રણ સામે કાર્યવાહી કરાઇ

રાજકોટ તા. ૧૩ : કોરોનાના કેસો વધવાના કારણે શહેરમાં રાત્રી કર્ફયુનો સમય વધારી દેવાયો છે અને પોલીસ દ્વારા જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે ત્યારે કોઠારીયા રોડ પર સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરનાર વેપારી સામે કાર્યવાહી કરી તેની દુકાન ત્રણ દિવસ સુધી કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે અને અલગ અલગ વિસ્તારમાં કુલ ૮૦ કેસ નોંધાયા છે.

કોરોનાના કેસો વધવાના કારણે શહેરમાં ખાણી-પીણીની દુકાનો, ચાની લારીઓ તથા પાનની તેમજ અન્ય દુકાનો બહાર વેપારીઓને ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ જાળવી રાખવા તથા માસ્ક પહેરવા તેમજ વાહનોમાં બેથી વધુ મુસાફરોને ન બેસાડવા અંગે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડયું છે અને પોલીસ દ્વારા જાહેરનામાનું પાલન કરાવી રહી છે ત્યારે ગઇકાલે શહેરના કોઠારીયા રોડ પર શ્રી રામ પાર્ક સોસાયટી મેઇન રોડ પર પોલીસ તથા કોર્પોરેશનના સ્ટાફ દ્વારા રાજ ડીલકસ પાન નામની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારી દેવાયત લક્ષ્મણભાઇ સોલંકી સામે કાર્યવાહી કરી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તેની દુકાન ત્રણ દિવસ સુધી સીલ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી માસ્ક પહેર્યા વગર નીકળેલા છ, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર નીકળનાર ત્રણ તથા દુકાન બહાર ગ્રાહકોની ભીડ એકઠી કરનારા વેપારીઓ તથા રીક્ષા અને ફોર વ્હીલમાં બેથી વધુ મુસાફરો બેસાડી નીકળેલા ચાલકો તેમજ રાત્રી કર્ફયુ ભંગ કરનારા મળી કુલ ૮૦ કેસ દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(3:52 pm IST)