રાજકોટ
News of Tuesday, 13th April 2021

નવી બે સહીત ૩૨ કોવિડ શરૃઃ ૧૨૨૦ બેડ ઉપલબ્ધ : ટેસ્ટીંગ હજુ વધારાશે

રાજકોટને કાંઇ ઘટવા નહી દઇએ : વિજયભાઇ રૂપાણીની હૈયા ધરણા : ૧૦૪માં નવા ૧૪ ડોકટરની ભરતી : ધન્વંતરી - આરોગ્ય રથમાં મેડીકલ સ્ટુડન્ટની સેવા લેવાશેઃ જે કોઇ નવી ખાનગી હોસ્પિટલ બનાવા માંગશે તેને મ.ન.પા. કોમ્યુનિટી હોલ નિયત ચાર્જ લઇને : ભાડે આપશેઃ લોકો સ્વૈચ્છીક લોકડાઉન પાળેઃ વિડીયો કોન્ફરન્સમાં રાજકોટની કોરોના સ્થિતિની સમીક્ષા કરતાં મુખ્યમંત્રીઃ મેયર પ્રદીપ ડવ - મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે વિગતો રજૂ કરી

રાજકોટ તા. ૧૩ : શહેરમાં કોરોના મહામારીનું ચિત્ર બિહામણું થતું જાય છે ત્યારે રાજકોટના પનોતા પુત્ર અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સતત રાજકોટની ચિંતા કરી રહ્યા છે અને આજે ખાસ વિડીયો કોન્ફરન્સ યોજી અને રાજકોટમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી મ.ન.પા.ના મેયર તથા મ્યુ. કમિશનરને સ્પષ્ટ સૂચન કર્યું હતું કે, કોરોનાને કાબુમાં લેવા ટેસ્ટીંગ વધારવા ઉપરાંત અન્ય જે કોઇ પણ વ્યવસ્થાની જરૂર હોય તે મ.ન.પાને પુરી પાડવા રાજ્ય સરકાર સક્ષમ છે. ટૂંકમાં રાજકોટ માટે કાંઇ ઘટવા નહી દઇએ તેવી હૈયા ધારણા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, મ.ન.પા.ને કોરોના ટેસ્ટીંગ માટે પુરતી કીટ ફાળવી દેવાશે. મ.ન.પા.નું તંત્ર દોડતું રાખી કોરોના ટેસ્ટીંગ વધારો જેથી દર્દીઓ શોધીને તેની સારવાર શરૂ થઇ શકે અને સંક્રમણ કાબુમાં રહે. આ તકે શ્રી રૂપાણીએ જાહેર અપીલ કરી હતી કે 'લોકો સ્વૈચ્છીક લોકડાઉન પાળે અને ઘરની બહાર નિકળવાનું ટાળે' સરકારે રાજકોટને વધુ ત્રણ હજાર રેમડેસિવિર ઇન્જેકશનો ફાળવી દીધાનું પણ વિડીયો કોન્ફરન્સમાં જાહેર થયું હતું.

૩૨ કોવિડ હોસ્પિટલ કાર્યરત : ૧૨૨૦ બેડ

આ તકે મેયર પ્રદિપ ડવ તથા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જાહેર કર્યું હતું કે, શહેરમાં આજથી નવી બે કોવિડ હોસ્પિટલ (૧) પંચનાથ હોસ્પિટલ (ર) સારથી હોસ્પિટલ (કેકેવી ચોક, કાલાવડ રોડ) શરૂ કરી દેવાઇ છે. આ બે સહિત કુલ ૩૨ ખાનગી કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં ૧૨૨૦ બેડની વ્યવસ્થા છે.

નવી ખાનગી કોવિડ માટે કોમ્યુ. હોલ અપાશે

આ ઉપરાંત હજુ પણ જે કોઇ ખાનગી હોસ્પિટલ શરૂ કરવા ઇચ્છશે તો આવી સંસ્થાને મ.ન.પા.નાં કોમ્યુનિટી હોલ નિયત ચાર્જથી ભાડે આપશે.

અમૃત ઘાયલ હોલમાં ગુરૂવારથી હોસ્પિટલ શરૂ થવાની શકયતા

દરમિયાન અમૃત ઘાયલ હોલમાં આગામી ગુરૂવાર સુધીમાં સીનર્જી ગ્રુપની કોવિડ હોસ્પિટલ શરૂ થઇ જશે. નોંધનિય છે કે, આ હોસ્પિટલના સંચાલકો પાસેથી મ.ન.પા. દરરોજ રૂ. ૧.૫૦ લાખનું ભાડુ વસુલ કરનાર છે.

નવા ડોકટરોની ભરતી

શહેરમાં ૧૦૪ની સેવા વધુ સુદ્રઢ બનાવવા નવા ૧૪ ડોકટરોની ભરતી કરાશે. ઉપરાંત ધન્વંતરી અને સંજીવની રથમાં મેડીકલ સ્ટુડન્ટની સેવા લઇ આ સેવાનો વ્યાપ વધારવામાં આવશે.

આમ, રાજકોટમાં કોરોનાને કાબુમાં લેવાના એકશન પ્લાનની વિગતો મેયર તથા મ્યુ. કમિશનરશ્રીએ રજુ કરી હતી.

(3:47 pm IST)