રાજકોટ
News of Tuesday, 13th April 2021

રાજકોટની ૩પ ખાનગી હોસ્પીટલમાં ૧૩૦૩ બેડઃ તમામ હાઉસફુલઃ તંત્રને દોડધામ

સિવીલના રૂપાલીબેન તથા કોર્પોરેશન દ્વારા સંયુકત કામગીરીઃ સમરસમાં વધુ ૬૦ બેડનો વધારો : આજે સવારે ૪૦ ખાલી હતા તે બપોરે ૧ર વાગ્યા પહેલા પેકઃ આજે વધુ બે ખાનગી હોસ્પીટલ ખુલશે

રાજકોટ તા. ૧૩ :.. કોરોના ભયાનક બન્યો છે, તેનો આજે ચિતાર કલેકટર તંત્ર તરફથી મળેલ ખાનગી હોસ્પીટલના બેડ ઉપરથી જાણવા મળ્યો છે.

મળતી વિગતો મુજબ રાજકોટમાં આજ સુધીમાં  ૩પ ખાનગી હોસ્પીટલ છે, તેમાં કુલ ૧૩૦૩ બેડ છે, આજે સવારે ૯ વાગ્યાના રીપોર્ટ મુજબ આ બધી હોસ્પીટલ થઇને કુલ ૪૦ બેડ ખાલી હતી, પરંતુ બપોરે ૧ર વાગ્યા પહેલા બધા ૪૦ બેડ પેક થઇ ગયા હતા, દર્દીઓનો ફલો વધતા તમામ ૧૩૦૩ બેડ હાઉસફુલ હોવાનું અધિકારી સુત્રોએ ઉમેયું હતું.

ખાનગીમાં બધા બેડો ખાલી થતા નવી ખાનગી હોસ્પીટલોનો ઉમેરો કરવા સીવીલના રૂપાલીબેન મહેતા, કોર્પોરેશન તંત્ર અને કલેકટર તંત્રને ભારે દોડધામ થઇ પડી છે.

દરમિયાન એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આજે વધુ બે ખાનગી હોસ્પીટલ સાંજ સુધીમાં શરૂ થઇ જશે, બેડો અમે દરરોજ ૧પ૦ આસપાસ વધારી રહ્યા છીએ, આ ઉપરાંત સમરસ હોસ્ટેલમાં પણ આજે વધુ ૬૦ બેડ વધારવામાં આવ્યા છે, તમામ તંત્રો સંકલનમાં રહી કામ કરી રહ્યા છે.

રાજકોટની ૩પ ખાનગી હોસ્પીટલ જોઇએ તો સ્ટાર સીનર્જી (૪૦), ક્રાઇસ્ટ હોસ્પીટલ (પ૬), પરમ હોસ્પીટલ (૩૩), સેલસ હોસ્પીટલ (૬પ), રંગાણી (૧૪), સત્કાર (૩૩), વેદાંત (૧પ), સદ્ભાવના (ર૦), સ્ટર્લીંગ (૯૮), વોકહાર્ડ (૮૦), પ્લેકસ (ર૧), ક્રિષ્ણા (૩ર), મેડીકેર (ર૮), શ્રીમદ્ જેતપુર (૪૦), સ્ડેન્ડ-ધોરાજી (ર૬), દોશી (૯૦), કુંદન(૩૦), ઓલમ્પસ (૩૦), જલારામ (૪૬), એચસીકે(પ૩), જયનાથ (૧૯), રત્નદીપ (ર૪), ક્રિષ્ણા-ગોંડલ (૩પ), તૈલી ધોરાજી (૩૦), શેયસ (૩૦), વીરલ (૧ર), ગોકુલ (૪૦), બી. ટી. સવાણી કીડની (૪૦), સૌરાષ્ટ્ર કોવીડ (૩૦), શાંતિ કોવીડ (૩૦), સારથી કોવીડ (૪૦), અને પંચનાથ હોસ્પીટલમાં ૪પ બેડનો સમાવેશ થાય છે, આજે બપોર સુધીમાં આ તમામ બેડ હાઉસ ફુલ બની ગયા છે.

(3:54 pm IST)