રાજકોટ
News of Tuesday, 13th April 2021

આજે ૫૯ મોત : રાજકોટ પર વજ્રઘાત : ૨૪૮ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૪૨ પૈકી ૧૧ જ કોવિડ ડેથઃ હાલમાં ૩૦૦૦ દર્દીઓ સારવાર હેઠળઃકુલ કેસનો આંક ૨૩,૩૮૭ દિન સુધીમાં ૧૯,૯૬૬ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૬.૨૮ ટકા થયો

 રાજકોટ તા. ૧૩: શહેર - જિલ્લામાં કોરોના ફરી હાહાકાર મચાવી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોના કેસ અને મૃત્યુનો આંકનો ગ્રાફ વધતો જાય છે. ગઇકાલે ૪૨ મોત થયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૫૯નાં મૃત્યુ થયા છે. લોકોમાં ભારે ફફડાટ ફેલાયો  છે. શહેરનમાં બપોર સુધીમાં ૨૪૮ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૨નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૩નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૫૯ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૪૨ પૈકી ૧૧ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૮૨   બેડ ખાલી છે.

નોંધનીય છે કે રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૫૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૫૯ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ૨૪૮ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૪૮ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૩,૩૮૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૧૯,૯૯૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૧૧,૫૭૦  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૦૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૩૪ ટકા થયો  હતો. જયારે ૨૫૨ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૭,૮૩,૬૮૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૩,૩૮૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૯૫ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૩૦૦૦  દર્દીઓ સારવાર હેઠળ છે.

(2:55 pm IST)