રાજકોટ
News of Saturday, 13th April 2019

કાઠી યુવાનની હત્યા અને મિત્ર પર ખુની હુમલામાં બે પોલીસમેન સહિત ૪ ઝડપાયાઃ રિમાન્ડ મેળવાશે

હત્યાનો ભોગ બનનાર કુલદીપ ખવડ અને ઘવાયેલો અભિલવ ખાચર મિત્રો સાથે ગોલા ખાવા આવ્યા ત્યારે પોલીસમેનની ટોળકી મોબાઇલ પર ગીત 'ઓન' કરી બરાડા પાડતાં હોઇ તેને ટોકવા જતાં વાત વણસીઃ બાઘી ગામ પાસેથી ઝડપી લેવાયા

રાજકોટ તા. ૧૩: ઇન્દિરા સર્કલ પાસે બુધવારે મોડી રાત્રે જસદણના કાઠી યુવાન કુલદીપ ખવડની હત્યા અને તેના મિત્ર અભિલવ ખાચરની હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર બે પોલીસમેન સહિત ચારને પોલીસે દબોચી લીધા છે. હત્યા પાછળ ફરિયાદ મુજબનું જ કારણ બહાર આવ્યું છે. પકડાયેલા પોલીસમેન સહિતનાએ કબુલ્યું હતું કે પોતે મોબાઇલ ફોનમાં ગીત વગાડી સાથો સાથ બરાડા પાડતાં હોઇ અભિલવ અને કુલદીપે આવી શું બરાડા પાડો છો? તેમ કહી માથાકુટ કરતાં અને બાદમાં જો બાજવું જ હોય તો જેને બોલાવવા હોય તેને બોલાવી લ્યો તેમ કહેતાં વાત વણસી હતી અને એકની લોથ ઢળી હતી.

હત્યા બાદ તમામ આરોપીઓ ભાગી ગયા હતાં. પોલીસે જેના નામ ખુલ્યા હતાં તેના ઘરના સભ્યો, મિત્રોની પુછતાછ શરૂ કરી પ્રેશર બનાવ્યું હતું. દરમિયાન આરોપીઓ પૈકીના ચાર જણા અર્જુનસિંહ શત્રુઘ્નસિંહ ચોૈહાણ (દરબાર) (ઉ.૨૫-રહે. પ્રજાપતિ સોસાયટી-૬, આશાપુરા કૃપા બાલાજી હોલ પાસે), પોલીસમેન હિરેન સુરેશભાઇ ખેરડીયા (દરજી) (ઉ.૨૩-રહે. બ્રહ્માણી કૃપા, શ્રીનાથજી સોસાયટી-૫, મવડી રોડ), પોલીસમેન વિજય રાયધનભાઇ ડાંગર (આહિર) (ઉ.૨૭-રહે. અક્ષર પાર્ક ગંગોત્રી ડેરીવાળી શેરી, રૈયા ચોકડી) તથા પાર્થ શૈલેષભાઇ દોશી (વાણિયા) (ઉ.૨૨-રહે. ન્યુ રાજદિપ સોસાયટી-૩, બાલાજી હોલ પાસે) જામનગર હાઇવે પર પડધરી નજીક બાઘીના પાટીયા પાસે હોવાની બાતમી મળતાં ત્યાંથી ચારેયને પકડી લેવાયા હતાં.

પ્રાથમિક પુછતાછ કરતાં ચારેયએ કબુલ્યું છે કે સામાન્ય બાબતમાં પોતાની ધાક બેસાડવા જતાં છરીથી હુમલો કર્યો હતો અને વાત હત્યા સુધી પહોંચી ગઇ હતી. ઝડપાયેલા ચારેયની વિશેષ પુછતાછ કરવાની હોઇ તેમજ આરોપીઓ સાથે બીજા કોણ કોણ હતાં? તે સહિતની પુછતાછ કરવાની હોઇ અને હથીયારો કબ્જે કરવાના હોઇ રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી પી.કે. દિયોરાની રાહબરીમાં પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ, કોન્સ. વનરાજ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, દિગ્વીજયસિંહ ગોહિલ, હિતેન્દ્રસિંહ ઝાલા, દિનેશભાઇ સહિતની ટીમે ચારેયને શોધી કાઢ્યા હતાં.

ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બંને પોલીસમેન સામે ડિપાર્ટમેન્ટલ તપાસ બાદ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ભકિતનગરના એક ગુનામાં વિજય ડાંગરનું શકમંદ તરીકે નામ આવતાં ડીસીબીમાંથી તુરત બદલી થઇ હતી

. ભકિતનગર પોલીસ મથક વિસ્તારમાં સંક્રાંતના દિવસે એક પટેલ યુવાન પર છરીથી હુમલો થયો હતો. તેમાં વિજય ડાંગર નામના શખ્સનું નામ ખુલ્યું હતું. જો કે ફરિયાદીએ જે તે વખતે ડીસીબીમાં ફરજ બજાવતાં કોન્સ. વિજય ડાંગરને ઓળખી બતાવ્યો નહોતો. આમ છતાં નામ ઉછળ્યું હોઇ તેને તાકીદે ડીસીબીમાંથી બદલી નાખવામાં આવ્યો હતો.

(3:58 pm IST)