રાજકોટ
News of Saturday, 13th April 2019

સફેદ વાઘના બદલામાં કાળા મોઢાવાળા વાંદરા

રાજકોટ ઝૂમાં વ્હાઇટ વાઘણને ત્રણ બચ્ચાં આવ્યાં જેના બાર્ટરમાં એને કાળા મોઢાવાળા વાંદરા જોઇએ છે

રાજકોટ તા.૧૩: ઝૂમાં કોઇપણ પ્રકારના પ્રાણીઓની સંખ્યા વધે તો તે પ્રાણીઓનું અન્ય ઝૂ સાથે બાર્ટર કરીને ઝૂ પાસે જે પ્રાણી ન હોય એ લાવવામાં આવતાં હોય છે. રાજકોટ ઝૂમાં રહેલી સફેદ વાઘણે હમણાં ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો, જેને લીધે હવે રાજકોટ ઝૂ પાસે સફેદ વાઘ-વાઘણની સંખ્યા નવ પર પહોંચી છે. વન્ય પ્રાણી વિનિમય હેઠળ રાજકોટ  ઝૂએ સિંહ-સિંહણની એક જોડી સામે સફેદ વાઘ-વાઘણની એક જોડી છત્તીસગઢથી લીધી હતી. હવે સફેદ વાઘની સંખ્યા પુરતી થઇ જતાં ઝૂની ઇચ્છા કાળા મોઢાવાળા વાંદરા એટલે કે ચિમ્પાન્ઝી લાવવાની છે, જે કોઇ ઝૂ આ વાઘ સામે બાર્ટરમાં ચિમ્પાન્ઝી આપવા તૈયાર હશે. એની સાથે બાર્ટર થાય એવી સંભાવના છે. જો કે આ બાર્ટર હાલ તુરત તો શકય નહીં બને.

જન્મેલા બચ્ચાઓને પિસ્તાલીસ દિવસ સુધી સંપૂર્ણ કેરટેકરની નજરમાં રાખવામાં આવે છે અને એ પછી જ તેને ઝૂમાં બહાર કાઢવામાં આવે છે એટલે હાલ તુરંત તો એ એની ઓરડી જેવા પાંજરામાં જ રહેશે પણ પછી વાતાવરણ અનૂ કૂળ આવી જશે એટલે એનું બાર્ટર કરવામાં આવશે.

પ્રાણીઓના બાર્ટરમાં મોટાભાગે નર-માદાની જોડીનું સાથે બાર્ટર થતું હોય છે. જેથી તેમના સમાગમથી લઇને એકબીજા સાથેનો સહવાસ પણ અકબંધ રહે.

(9:44 am IST)