રાજકોટ
News of Tuesday, 13th March 2018

રેલનગર અંડરબ્રિજના રસ્તા પર લાઇટના થાંભલાઓ તોડી નખાયા : લાખોનું નુકશાન

રાત્રે ટ્રક-ટ્રેકટર દ્વારા રસ્તા પર ગેરકાયદે રીતે માટીનાં ઢગલા ઠલવાઇ રહ્યા છે, આવા ભારે વાહનો ભટકાવાથી થાંભલાઓ તૂટી જવાની સ્થાનિકોમાં ચર્ચા : તંત્ર કડક પગલા નહીં લ્યે તો રસ્તો બંધ થઇ જશે

રાજકોટ : શહેરના છેવાડાનાં વિસ્તાર રેલનગર માટે તાજેતરમાં જ લોકાર્પણ થયેલ અંડરબ્રિજ માટે જામનગર રોડથી રેલનગર તરફ ખાસ રોડ બનાવવામાં આવ્યો છે જેમાં મ્યુ. કોર્પોેરશન દ્વારા યુદ્ધનાં ધોરણ સ્ટ્રીટ લાઇટનાં થાંભલાઓ નાંખવામાં આવ્યા પરંતુ આ રસ્તો રેલ્વેની વિશાળ જમીનમાંથી પસાર થતો હોવાથી નિર્જન જેવો રહે છે. રાત્રે આ રોડ સાવ રેઢોપડ હોવાથી શહેરમાંથી કેટલાક લોકો ગંદકીનો કચરો બાંધકામ વેસ્ટની માટીમાં ઢગલાઓ ખડકી જાય છે. આજ પ્રકારેે ગઇકાલે પણ ટ્રક અથવા ટ્રેકટર જેવા ભારે વાહનમાં ગેરકાયદે રીતે માટીનાં ઢગલા ઠાલવવા આવેલ. કોઇ ભારે વાહને રોડ પરનાં સ્ટ્રીટ લાઇટનાં થાંભલાઓ લાઇન બંધ રીતે તોડી નાંખતા તંત્ર વાહકો ધધે લાગ્યા હતા અને રાત્રે અંધારૂ થાય તે પહેલા જ ફરી સ્ટ્રીટ લાઇટનાં થાંભલાઓ ઉભા કરવાની મથામણ શરૂ કરી હતી કેમકે રાત્રે અંધારામાં આ રસ્તો વધુ બિહામણો બની જાય છે અને રસ્તા પર તૂટેલા થાંભલાઓ મોટો અકસ્માત સર્જી શકે. તસ્વીરમાં માટીનાં ઢગલાને તુટેલા થાંભલા રસ્તા ઉપર દર્શાય છે. નોંધનીય છે કે આ પ્રકારે ગેરકાયદે માટીનાં ઢગલા કરનારા ભારે વાહનોને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયાનું સ્થાનિક લતાવાસીઓ જણાવી રહ્યા છે. ત્યારે આ બાબતે જવાબદારો સામે કડક પગલા લેવાય તે જરૂરી છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:35 pm IST)