રાજકોટ
News of Tuesday, 13th March 2018

આંબેડકરનગરની ઉષાબેન ચૌહાણને ફોન પર ગાળો દઇ ખૂનની ધમકી

અગાઉ તેણીના ઘરમાં ભાડેથી રહેતાં જેતપુરના અમિત, નિતા અને ચુડાના મોરવાડ ગામે રહેતાં નિતાના ભાઇ ઘનશ્યામ ઉર્ફ મહેશ વિરૂધ્ધ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૩: આજી વસાહત આંબેડકરનગર-૨માં રહેતી ઉષાબેન જેઠાભાઇ ચૌહાણ (ઉ.૨૫) નામની દલિત યુવતિને જેતપુર રહેતાં અમિત કેશુભાઇ પરમાર, નિતાબેન અમિત પરમાર અને ચુડાના નવી મોરવાડના ઘનશ્યામ ઉર્ફ મહેશ રમેશભાઇ પરમારે ફોન કરી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજા અને આનંદભાઇએ ઉષાબેનની ફરિયાદ પરથી ત્રણેય સામે ગુનો નોંધ્યો છે. પોલીસના કહેવા મુજબ અગાઉ ઉષાબેનના મકાનમાં અમિત અને નિતા ભાડેથી રહેતા હતાં. ઘનશ્યામ એ નીતાનો ભાઇ છે. તે અવાર-નવાર રાજકોટ આવતો જતો હતો.  બાદમાં અમિત અને નિતાએ ઉષાબેનનું મકાન ખાલી કરી નાંખ્યુ હતું અને જેતપુર રહેવા જતાં રહ્યા હતાં. ગત દિવાળીએ ઘનશ્યામ રાજકોટ આવી ઉષાબેનની નાની બહેનને ભગાડી ગયો હતો. પંદર દિવસ પછી તેણીને મોરવાડથી ઉષાબેન પરત લાવ્યા હતાં. ત્યારથી મનદુઃખ ચાલતું હોઇ જેના કારણે તેણીને ફોન પર ધમકીઓ અપાતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

(4:24 pm IST)