રાજકોટ
News of Tuesday, 13th March 2018

જુના યાર્ડ સામે 'હિટ એન્ડ રન': હૈદરી ચોકના પ્રૌઢ અહેમદભાઇ કઠેરીનું મોત

ગેરેજ સંચાલક સિદી બાદશાહ પ્રૌઢ રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે અજાણી ગાડીનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૧૩: માર્કેટ યાર્ડ સામે ભુષણ સ્કુલ નજીક ચાલીને જઇ રહેલા સિદી બાદશાહ પ્રૌઢનું 'હિટ એન્ડ રન'ના બનાવમાં મોત નિપજ્યું છે. ગેરેજનો સામાન લઇને રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે અજાણ્યો ફોરવ્હીલરનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ દૂધ સાગર રોડ પર હૈદરી ચોકમાં રહેતાં અને યાર્ડ નજીક ટ્રકના હેડબ્લોકનું ગેરેજ ધરાવતાં અહેમદભાઇ અલીભાઇ કથેરી (ઉ.૫૫) નામના પ્રૌઢ ગઇકાલે બપોરે ગેરેજની સામેના ભાગે ગેરેજનો સામાન લેવા જઇ રહ્યા હતાં ત્યારે ભુષણ સ્કુલ નજીક કોઇ અજાણી ગાડીનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર અહેમદભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માત સર્જી ભાગેલા વાહન ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(4:23 pm IST)